જામનગર સેસન્સ કોર્ટનો મોટો ચુકાદો: રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર, નીચલી કોર્ટની સજા રદ
-
સમયમર્યાદા બહારનું (Time-Barred) કાળગ્રસ્ત દેવું કલમ ૧૩૮ હેઠળ વસૂલ કરવા પાત્ર નથી: સેસન્સ કોર્ટની મહત્ત્વની સ્પષ્ટતા
-
કાલાવાડ કોર્ટે ફટકારેલી ૧-૧ વર્ષની સાદી કેદ અને વળતરના આદેશો સેસન્સ કોર્ટે રદબાતલ (Quashed & Set Aside) કર્યા.
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૦૭ નવેમ્બર ૨૬ જામનગર સેસન્સ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના રૂ. ૫-૫ લાખ (કુલ રૂ. ૧૦ લાખ) ના ચેક રિટર્ન અંગેના બે ક્રિમિનલ અપીલ કેસોમાં આરોપીના બચાવ પક્ષની કાનૂની દલીલો માન્ય રાખી આરોપીને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સેસન્સ કોર્ટે નામદાર જ્યુશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવાડ દ્વારા આરોપીને ફટકારવામાં આવેલી ૧-૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૫-૫ લાખના વળતરના આદેશોને રદબાતલ કર્યા છે.
આ કેસની હકીકત એવી છે કે મૂળ આરોપી ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેર (રહે. વૈશાલી નગર, ધારાનગર, જામનગર) સામે મૂળ ફરિયાદી સાફીભાઇ અબુભકરભાઇ બારડી (રહે. ભુરાવડી સ્ટ્રીટ, કાલાવાડ) તથા સાબેરાબેન આદમભાઇ દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦/- ની રકમ પેટે મેળવેલ HDFC એચ.ડી.એફ.સી. બેંકના ચેકો બેંકમાં રજૂ કરતા અપૂરતા બેલેન્સ (Funds Insufficient) ના શેરા સાથે પરત ફરતા કલમ ૧૩૮ હેઠળ કેસ નોંધાયા હતા. જે કેસમાં અદાલતે તા. ૦૩/૦૧/२०૨૫ ના રોજ આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.
આ સજાના હુકમ સામે આરોપીએ જામનગર સેસન્સ કોર્ટમાં ક્રિમિનલ અપીલ દાખલ કરી હતી. આરોપી વતી રોકાયેલા વિદ્વત એડવોકેટ દ્વારા સેસન્સ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે નોટરી સમક્ષ થયેલા કરારનામા મુજબ રકમ તા. ૦૮/૦૪/૨૦૧૯ ના રોજ લેવામાં આવી હતી અને તેની પરત ચૂકવણીની છેલ્લી તારીખ ૨૩/૦૭/૨૦૧૯ હતી.
લિમિટેશન એક્ટ (Law of Limitation) અનુસાર સિવિલ દાવો દાખલ કરવાની ૩ વર્ષની મુદત તા. ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારબાદ જમા કરાવેલ ચેક કાયદાની દૃષ્ટિએ ‘કાયદેસર રીતે વસૂલ કરવા પાત્ર દેવું’ (Legally Enforceable Debt or Liability) ગણાતું નથી. જેથી કલમ ૧૩૮ હેઠળનો ગુનો બનતો નથી.
ઉભય પક્ષની દલીલો અને કાનૂની ન્જીરો ધ્યાને લીધા બાદ જામનગરના માનનીય એડિશનલ સેસન્સ જજશ્રીએ બચાવ પક્ષની દલીલો તથા લિમિટેશન એક્ટની જોગવાઈઓ સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી બંને ક્રિમિનલ અપીલો મંજૂર કરી છે. સેસન્સ અદાલતે નીચલી કોર્ટના સજાના હુકમો રદબાતલ ઠરાવી, ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેરને તમામ આક્ષેપોમાંથી સંપૂર્ણ નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો આદેશ ફરમાવ્યો છે. આ બંને અપીલોમાં આરોપી તરફથી સિનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલા હતા.


