જામનગર-રાજકોટ હાઇવે પર વાસીદું કરવા નીકળેલા વૃદ્ધા હિટ એન્ડ રનનો શિકાર

0
53048

વાસીદું કરવા નીકળેલી વૃદ્ધાને કાળમુખી કારની ટક્કર! ;જામનગર-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રન : કારની જોરદાર ટક્કરે વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ!

  • ફલ્લા ગામના ૬૩ વર્ષીય જયશ્રીબેન ધમસાણીયાને માથામાં ગંભીર ઈજા : અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧નવેમ્બર ૨૬: જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ફલ્લા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વહેલી સવારે રસ્તો ઓળંગી રહેલી ૬૩ વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન લઈને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.આ બનાવની મળતી વિગતો મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય ખેડૂત બેચરભાઈ હિરાભાઈ ધમસાણીયાનાં પત્ની જયશ્રીબેન ઉર્ફે જયાબેન (ઉં.વ. ૬૩) ગત તા. ૩૧ ઓક્ટોબરના સવારે આશરે સાત વાગ્યે પોતાના ઘરેથી ગામ નજીક આવેલા વાડામાં વાસીદું કરવા માટે પગપાળા નીકળ્યાં હતાં.દરમિયાન સવા સાત વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ હાઈવે પર હનુમાનદાદાની ડેરી નજીક તેઓ રસ્તો ઓળંગી રહ્યાં હતાં. તે સમયે રાજકોટ તરફથી જામનગર તરફ આવતીજીજે-૦૩-એલજી-૧૦૯૭ નંબરની કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી વૃદ્ધાને અડફેટે લીધાં હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.કારની જોરદાર ટક્કરથી વૃદ્ધા રસ્તા પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. અકસ્માત બાદ કારચાલક વાહન ઊભું રાખવાને બદલે સ્થળ પરથી નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બનાવને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિક નિલેશભાઈ નારણભાઈ ધમસાણીયાએ અકસ્માત અંગે વૃદ્ધાના પતિને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.ફરિયાદ મુજબ વૃદ્ધાને માથામાં ગંભીર ઈજા પહોંચી છે અને તેઓ બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બનાવ અંગે વૃદ્ધાના પતિ બેચરભાઈ ધમસાણીયાની ફરિયાદના આધારે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે સંબંધિત બી.એન.એસ. તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કારચાલક સામે તપાસ હાથ ધરી છે.