જામનગર મહાનગરપાલિકામાં ટેક્સ કૌભાંડનો પર્દાફાશ: સોફ્ટવેરના નોટિફિકેશને ૫ કર્મચારીઓની ચાલાકી પકડી પાડી

0
88445

જામનગર મહાનગર પાલિકાની હાઉસ ટેક્સ શાખામાં વેરાના રેકોર્ડ સાથે છેડછાડનો મામલો સામે આવ્યો!

  • જામનગર મનપાની હાઉસ ટેક્સ શાખામાં રૂ. ૧.૫ લાખના વેરાની છેડછાડનો પર્દાફાશ : પાંચ આઉટસોર્સ કર્મચારીઓ સામે કાર્યવાહીની તલવાર!

  • છ મિલકતોના બાકી વેરાની રકમ સિસ્ટમમાંથી ડિલીટ કરાઈ : સોફ્ટવેરના નોટિફિકેશનથી ભાંડો ફૂટતાં રેકોર્ડ પુનઃસ્થાપિત, ફોજદારી કાર્યવાહી સુધી મામલો પહોંચવાની શક્યતા

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૩૧ : ઓક્ટોબર ૨૬ જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોમ્પ્યુટર સોફ્ટવેરના લોગ-ઇન અધિકારોનો કથિત દુરુપયોગ કરીને મિલકતવેરાના રેકોર્ડમાં છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. છેલ્લા બે મહિનામાં છ જેટલી મિલકતોના રૂ. ૧.૫ લાખથી વધુના બાકી વેરાની રકમ સિસ્ટમમાંથી ડિલીટ કરવામાં આવી હોવાનું અધિકારીઓની તપાસમાં સામે આવતાં પાંચ બિનકાયમી કર્મચારીઓ સામે વિભાગીય તેમજ ફોજદારી કાર્યવાહી થવાની શક્યતા ઊભી થઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં અધિકારીઓની મદદ માટે આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓને કામગીરી માટે સોફ્ટવેરમાં લોગ-ઇન કરવાની સુવિધા આપવામાં આવી હતી. જોકે, કેટલાક કર્મચારીઓએ આ અધિકારોનો ગેરઉપયોગ કરીને મિલકતધારકોના બાકી વેરાના રેકોર્ડમાં ફેરફાર કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.છ જેટલી મિલકતોના રૂ. ૧.૫ લાખથી વધુના બાકી વેરાની રકમ કોઈ ચુકવણી વિના સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી હતી. સોફ્ટવેરમાં થયેલા ફેરફારો અંગે ઉચ્ચ અધિકારીઓને નોટિફિકેશન મળતું હોવાથી નિયમિત ચકાસણી દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી.મામલો ધ્યાનમાં આવતાં અધિકારીઓએ સંબંધિત કોમ્પ્યુટર ઓપરેટરોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં છેલ્લા બે મહિનાથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની કબૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ અધિકારીઓએ સંબંધિત મિલકતોની વિગતો એકત્ર કરીને વેરાના રેકોર્ડમાં જરૂરી સુધારા કરાવ્યા હતા. આ કામગીરીને કારણે મહાનગરપાલિકાની તિજોરીને થનારું આર્થિક નુકસાન અટકાવી શકાયું છે.