જામનગર: રૂ. ૧૮ લાખના સરકારી સસ્તા અનાજના ઘઉં કૌભાંડમાં આરોપી અમરશીભાઈ ભંડેરીને સેશન્સ કોર્ટે આપી જામીનમુક્તિ
-
ગરીબોના હકના ૭૦ હજાર કિલો ઘઉં રાત્રિના ગોડાઉનમાંથી ચોરી કરી વેચી નાખવાના કેસમાં મોટો વળાંક
-
પોલીસ અને સરકારના વિરોધ છતાં બચાવ પક્ષની દલીલોગ્રાહ્ય રાખી કોર્ટે આપી જામીનમુક્તિ
દેશ દેવી ન્યુઝ તા. ૨૯ ઓક્ટોબર ૨૬ જામનગરમાં ચકચાર મચાવનાર રૂપિયા ૧૮ લાખના સરકારી સસ્તા અનાજના ઘઉંના કૌભાંડ કેસમાં જામનગર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી અમરશીભાઈ છગનભાઈ ભંડેરીને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.ગરીબોને રાશનકાર્ડ મારફતે આપવામાં આવતા અંદાજે ૭૦ હજાર કિલો જેટલા સસ્તા અનાજના ઘઉં રાત્રિના સમયે ગોડાઉનમાંથી ચોરી કરી બારોબાર વેપારીને વેચી નાખવાના આ કેસમાં જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા અગાઉ પાંચ આરોપીઓને ઘઉંના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ જથ્થો સરકારી અનાજનો હોવાનું અને રાત્રિના સમયે ગોડાઉનમાંથી ચોરી કરી જામનગરના વેપારીને બારોબાર વેચી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસમાં અંદાજે રૂ. ૧૮ લાખની કિંમતનો સસ્તા અનાજનો જથ્થો ચોરાયાનું બહાર આવતા પોલીસ દ્વારા પુરવઠા અધિકારીને જાણ કરાઈ હતી, જેના પગલે નાયબ જિલ્લા મેનેજર દ્વારા સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા તથા અન્ય જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ઘઉંનો જથ્થો આરોપી અમરશીભાઈ છગનભાઈ ભંડેરીને વેચવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આરોપી અમરશીભાઈ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે આરોપી વેપારી વર્ગના માણસ છે. સામે પક્ષે સરકારી વકીલ દ્વારા જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તપાસ અધિકારીનું સોગંદનામું રજૂ કરી દલીલ કરાઈ હતી કે આ જથ્થો ગરીબ લોકો માટેની યોજનાનો હતો, જેને આરોપીઓએ એકસંપ થઈને બારોબાર વેચી નાખી સરકાર અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
બનાવની તમામ દલીલોને ધ્યાને રાખી નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી અમરશીભાઈ છગનભાઈ ભંડેરીને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચકચારી કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તથા કરણ કે. પટેલ રોકાયા હતા.


