જામનગરમાં પરિણીતાને છૂટાછેડા માટે છરી બતાવી ધમકી અપાતાં ચકચાર

0
170740

જામનગરમાં પરિણીતાને છૂટાછેડા માટે રસ્તા પર મારકૂટ કરી છરી બતાવી ધમકી આપ્યાનો આક્ષેપ

  • એસ.ટી. રોડ પર મયુર મેડિકલ પાસે બનેલો બનાવ : પતિ સહિત સાસુ-સસરા સામે સિટી એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૬ ઓક્ટોબર ૨૬: જામનગરમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક વિવાદને લઈને ૨૪ વર્ષીય પરિણીતાને રસ્તા પર મારકૂટ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સિટી એ-ડિવિઝન પોલીસે પતિ યશવંતભાઈ રમેશભાઈ ભટ્ટ, સસરા રમેશભાઈ ભટ્ટ અને સાસુ રેખાબેન રમેશભાઈ ભટ્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીણીબેન યશવંતભાઈ ભટ્ટે આશરે છ વર્ષ પહેલાં યશવંતભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા શરૂ થયા હોવાનો તેમજ પતિ અને સાસુ-સસરા દ્વારા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપવામાં આવતો અને પતિ દ્વારા મારકૂટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પરિણીતાએ આ મામલે ભરણપોષણનો કેસ પણ કરેલો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.ફરિયાદ મુજબ તા. ૪ ઓક્ટોબરની રાત્રે આશરે સાડા નવ વાગ્યે પરિણિતા હોસ્પિટલથી ઘરે જવા એસ.ટી. રોડ પર મયુર મેડિકલ પાસે રિક્ષાની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન તેનો પતિ ફોરવ્હીલ લઈને ત્યાં આવ્યો હતો અને વાત કરવા જણાવ્યું હતું. પરિણીતાએ વાત કરવાની ના પાડતાં પતિએ ગાળો આપી બે-ત્રણ થપ્પડ મારી, લાતો મારી રસ્તા પર પાડી દીધી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ છરી બતાવી છૂટાછેડા આપી દે, નહીં તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લોકો એકત્ર થવા લાગતાં આરોપી ત્યાંથી વાહન લઈને નીકળી ગયો હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ ફરિયાદના આધારે સિટી એ-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૩,૩૫૧ (૨), ૫૪ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.