જામનગર નાઘેડીમાં SMC ના દરોડામાં દારૂની 246 પેટી જપ્ત કરાઈ

0
116921

જામનગર નજીક નાઘેડી પાસે વિદેશી દારૂ ભરેલા વાહનોનો મોટો જથ્થો ઝડપાયો: બે ની અટકાયત અન્ય ૯ ની સંડોવણી

  • સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી : ૧૦,૪૦૬ બોટલ, પાંચ વાહન, મોબાઇલ-રોકડ સહિત રૂ.૧.૩૭ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

  • છ મુખ્ય આરોપીઓ સહિત અન્ય શખ્સોના નામ સામે આવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૫ : ઓક્ટોબર ૨૬ જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી કુલ ૧૦,૪૦૬ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે દારૂની સાથે પાંચ વાહનો, મોબાઇલ ફોન, રોકડ રકમ, પ્લાસ્ટિકના દાણાના બોક્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. એફઆઈઆરમાં દર્શાવ્યા મુજબ કબજે કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.૧,૩૭,૮૧,૪૭૧ થાય છે.સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે નાઘેડી ગામની સીમમાં પંચોની હાજરીમાં વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નં. આરજે-૧૪-જીટી-૬૧૩૬, અશોક લેલેન્ડ કંપનીના મોટા દોસ્ત વાહનો નં. જીજે-૧૦-ટીવાય-૦૩૮૪ અને જીજે-૩૬-વી-૭૨૧૦, તેમજ અન્ય બે વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

૧૦,૪૦૬ બોટલનો જથ્થો : પોલીસે કબજે કરેલા દારૂમાં રોયલ સ્ટેગ પ્રીમિયર વ્હિસ્કીની ૧૮૦ મિલીની બોટલો, ૯૦૦ મિલીની બોટલો તથા રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ મિલીની બોટલોનો સમાવેશ થાય છે. માત્ર વિદેશી દારૂના જથ્થાની કિંમત જ રૂ.૩૭,૨૧,૮૪૮ હોવાનું એફઆઈઆરમાં દર્શાવવામાં આવ્યું છે.દારૂના જથ્થામાં રોયલ સ્ટેગ પ્રીમિયર વ્હિસ્કીની ૧૮૦ મિલીની બોટલોનો જથ્થો રૂ.૧૫,૫૫,૩૨૦ તથા ૯૦૦ મિલીની બોટલોનો જથ્થો રૂ.૧૫,૫૫,૩૨૦નો છે. જ્યારે રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ મિલીની બોટલોની કિંમત રૂ.૧૫,૪૨,૫૨૮ દર્શાવવામાં આવી છે.

દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ટાટા કંપનીના ટ્રક નં. આરજે-૧૪-જીટી-૬૧૩૬ની કિંમત રૂ.૨૦ લાખ, અશોક લેલેન્ડના મોટા દોસ્ત વાહન નં. જીજે-૧૦-ટીવાય-૦૩૮૪ની કિંમત રૂ.૯ લાખ અને જીજે-૩૬-વી-૭૨૧૦ની કિંમત રૂ.૯ લાખ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રૂ.૧૨,૦૩૦, પ્લાસ્ટિકના દાણાના બોક્સ તથા વાહનોમાં ઉપયોગમાં લેવાયેલા તાડપત્રી સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.આ કેસમાં એફઆઈઆરમાં દીપક ઉર્ફે અટાપટુ જામનાદાસ જેઠાણી, યુવરાજસિંહ કાળુભા ચુડાસમા, રામ ઉર્ફે રામા જીવાભાઈ મોઢવાડિયા, કાના જીવાભાઈ મોઢવાડિયા, ઇરફાન કાસમ કોટડીયા તથા જિગેશ ઉર્ફે જિગો વિનોદ ભટ્ટ સહિતના શખ્સોના નામ નોંધાયા છે. વાહનોના માલિકો તથા ચાલકોની વિગતો પણ ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.

નાઘેડી વિસ્તારમાં દારૂની હેરાફેરીની બાતમી પરથી કાર્યવાહી : ફરિયાદમાં જણાવ્યા મુજબ નાઘેડી ગામના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાહનો મારફતે અન્ય સ્થળે પહોંચાડવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અલગ-અલગ વાહનોની તપાસ કરતાં તેમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાની ફરિયાદના આધારે નાઘેડી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નશાબંધી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ માટે પોલીસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. કુલ મળીને ૧૦,૪૦૬ બોટલ વિદેશી દારૂ, પાંચ વાહનો, ચાર મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી રૂ.૧.૩૭ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થતાં જામનગર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.