0
64

જામનગરમાં સફાઈના પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનર મોડી રાત્રે એક્શન મોડમાં: ૩ કલાક સુધી વિવિધ વિસ્તારોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું

​પત્રકારો સાથે ચર્ચા બાદ રાત્રે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી કમિશનરે ટીમ સાથે રસ્તા પર ઉતરી ગંદકી અને ગેરકાયદે દબાણો અંગે સ્થળ પર જ કડક સૂચનાઓ આપી

​દેશ દેવી ન્યુઝ જામનગર તા.સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર સફાઈ અને દબાણો અંગેની વ્યાપક ફરિયાદો ઉઠતાં જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા ગઈકાલે મોડી રાત્રે અચાનક જ એક્શન મોડમાં આવ્યા હતા. સાંજે પત્રકારો સાથેની બેઠકમાં સફાઈ અને પાણી સહિતના વિવિધ પ્રશ્નો અંગે થયેલી ચર્ચા બાદ, કમિશનરે માત્ર કાગળ પર સૂચનાઓ આપવાને બદલે મોડી રાત્રે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધીના ૩ કલાક દરમિયાન શહેરના મુખ્ય વિસ્તારોમાં રૂબરૂ પહોંચી નિરીક્ષણ હાથ ધર્યું હતું.

​અધિકારીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા : આ રાત્રિ નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા ઉપરાંત એસ્ટેટ શાખા તથા ઘન કચરા વ્યવસ્થાપન શાખાના અધિકારીઓ અને સફાઈ સ્ટાફનો કાફલો જોડાયો હતો.

​જયશ્રી સિનેમા ગલીથી હવાઈ ચોક સુધી કડક સૂચના : ટીમે સૌપ્રથમ જયશ્રી સિનેમા વાળી ગલીમાં નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ગંદકી અને કચરા અંગે મળેલી ફરિયાદોને ધ્યાને લઈ તુરંત સફાઈ હાથ ધરવા આદેશ કરાયા હતા. આ વિસ્તારમાં રસ્તા પરની રેકડીઓ અને પથારાવાળાઓને જાહેર સ્થળે ગંદકી ન કરવા તથા પોતાના વેપાર સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. એસ્ટેટ શાખાને ગેરકાયદે દબાણો દૂર કરવા તાકીદ કરાઈ હતી.ત્યારબાદ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, પંચેશ્વર ટાવર, ભંગારબજાર રોડ અને હવાઈ ચોક વિસ્તારમાં કચરા નિકાલ અને દબાણો અંગે ચકાસણી હાથ ધરી વેપારીઓને કડક સૂચનાઓ પાઠવી હતી.

​ખોડિયાર કોલોની અને નાઇટ માર્કેટમાં સૂચનાઓ : નિરીક્ષણના અંતિમ તબક્કામાં બાલા હનુમાન મંદિર, તળાવ રોડ અને ખોડિયાર કોલોની સુધી રાઉન્ડ લેવામાં આવ્યો હતો. ખોડિયાર કોલોની વિસ્તારમાં રાત્રિ બજારના માહોલ વચ્ચે રેકડી-પથારાવાળાઓ, દુકાનદારો તેમજ હોટલ સંચાલકોને વેપાર પૂર્ણ થયા બાદ કચરો નિર્ધારિત જગ્યાએ જ નાખવા અને ગંદકી ન ફેલાવવા જણાવાયું હતું.મ્યુનિસિપલ કમિશનરના આ અચાનક રાત્રિ રાઉન્ડથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં સફાઈ તથા દબાણ હટાવ ઝુંબેશ વધુ કડક બને તેવા સંકેતો સાંપડ્યા છે.