જામનગરમાં બહુચર્ચિત બનેલા ‘વ્યાજખોરી’ કેસમાં પોલીસકર્મી સહિત ચાર આરોપીને આગોતરા જામીન
-
રૂ. ૫૦ લાખના વ્યાજના વ્યવહારમાં રૂ. બે કરોડની માગણી અને જાનથી મારી નાખવાની ધમકીનો હતો આરોપ!
-
પૂછપરછ દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અને વકીલની હાજરી રાખવા કોર્ટનો વિશેષ હુકમ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨સપ્ટેમ્બર ૨૬ : સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજની રકમના નામે રૂ. બે કરોડની માગણી કરી ખંડણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં પોલીસકર્મી સહિત ચાર આરોપીને જામનગરની સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપવાનો હુકમ કર્યો છે. આ સાથે તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવા અને વકીલને હાજર રહેવા દેવા અંગે પણ કોર્ટે વિશેષ સૂચના આપી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી પુષ્પરાજસિંહ ધનશ્યામસિંહ રાણા સરકારી કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે વર્ષ ૨૦૨૪માં પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા પાસેથી રૂ. ૩૫ લાખ ત્રણ ટકા માસિક વ્યાજે લીધા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં વધુ નાણાંની જરૂર પડતાં ફરી રૂ. ૧૫ લાખ ૨૦ ટકા માસિક વ્યાજે લીધા હતા. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અજયસિંહ તથા તેમના સાથીઓ ફરિયાદીના ઘરે ગયા હતા અને તેમની પાસેથી બળજબરીપૂર્વક લખાણ કરાવ્યું હતું. બાદમાં રૂ. બે કરોડની ચૂકવણી માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે રાજકોટ રેન્જના ડીઆઈજી સમક્ષ રજૂઆત થયા બાદ જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસકર્મી સામેના ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને કેસની તપાસ માટે અલગ-અલગ જિલ્લાઓના પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. તપાસની જવાબદારી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી. કેસના તમામ આરોપીઓએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આરોપી પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વ્યાજનો વ્યવહાર ફરિયાદીની સંમતિથી થયો હતો અને સમગ્ર મામલો નાણાકીય લેવડદેવડનો છે. મોટી રકમ લીધા બાદ તેની ચુકવણી ન કરવી પડે તે માટે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની દલીલ પણ કરવામાં આવી હતી.
બંને પક્ષની રજૂઆતો અને રેકોર્ડ પરના દસ્તાવેજો ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને શરતી આગોતરા જામીન આપવાનો હુકમ કર્યો હતો. સાથે જ પોલીસ પૂછપરછ દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ રાખવા તથા આરોપીઓના વકીલને હાજર રહેવાની મંજૂરી આપવા પણ વિશેષ હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપીઓ તરફથી વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મકડીયા તથા કરણ કે. પટેલે દલીલો રજૂ કરી હતી.


