જામનગરમાં મેઘમહેર વચ્ચે ભક્તિનો મહાસાગર છલકાયો: ‘નમો નાદ’ કાર્યક્રમમાં જનમેદની ઉમટી

0
7456

જામનગરમાં વરસાદ વચ્ચે ભક્તિનો રંગ : સાંસદ પૂનમબેન માડમ આયોજિત ‘નમો નાદ’ને જબ્બર પ્રતિસાદ

  • પ્રદર્શન મેદાનમાં ઇશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીના ભક્તિ સંગીતે જમાવ્યું આકર્ષણ; યુવાનો સાથે ઝૂમ્યાં સાંસદ, નવરાત્રિ પહેલાં ફરી કાર્યક્રમ યોજવાની જાહેરાત

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૧સપ્ટેમ્બર ૨૬: જામનગરનાં સાંસદ પૂનમબેન માડમના સાનિધ્યમાં શહેરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા ‘નમો નાદ’ ભક્તિસંગીત કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ જામનગર શહેર, આસપાસના વિસ્તારો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ, સંગીત અને ઉત્સાહથી સમગ્ર પ્રદર્શન મેદાન ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ સમયે વરસાદ શરૂ થતાં થોડા સમય માટે વિક્ષેપ સર્જાયો હતો. જોકે, આયોજકો દ્વારા કરવામાં આવેલી આગોતરી વ્યવસ્થાના કારણે વરસાદ બંધ થતાં જ મેદાનમાં તાત્કાલિક સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ નિર્ધારિત આયોજન મુજબ કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ થયો હતો.વરસાદનો ઉલ્લેખ કરતાં સાંસદ પૂનમબેન માડમે મંચ પરથી લાગણીસભર ટકોર કરી હતી કે, “હું આયોજન કરું અને વરસાદ આવે તો આવાં ૧૦૦ આયોજન કુરબાન છે.” મેઘરાજાની પધરામણી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયેલા રહેતાં તેમણે જનમેદનીના ઉત્સાહ અને સાથ બદલ લાગણી વ્યક્ત કરી હતી.‘નમો નાદ’માં જાણીતા કલાકારો ઇશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીએ ભજન તથા સંગીતની રમઝટ બોલાવી હતી. ભક્તિ સંગીતના તાલે શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ પણ લોકોની વચ્ચે પહોંચી ભજનના તાલે ઝૂમ્યાં હતાં. તેમને લોકો સાથે આ રીતે જોડાતાં જોઈ ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં.ખાસ કરીને જામનગરના યુવાનો અને યુવતીઓમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાઓ ભક્તિસંગીતના તાલે ઝૂમ્યાં હતાં અને સાંસદ સાથે આનંદભેર કાર્યક્રમનો માણ્યો હતો.કાર્યક્રમને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી ઉત્સાહિત સાંસદ પૂનમબેન માડમે નવરાત્રિ પહેલાં ફરી એક વખત આવો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.ઝેન-ઝી સાથે ઝૂમ્યાં, સેલ્ફીનો પણ જમ્યો ક્રેઝ
‘નમો નાદ’ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે જામનગરના યુવાનો સાથે હળવાશભર્યો સમય વિતાવ્યો હતો. તેઓ યુવા-યુવતીઓ સાથે ઝૂમ્યાં હતાં અને અનેક યુવાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. સાંસદે યુવાનોની વચ્ચે જઈ તેમની સાથે વાતચીત કરી આનંદમાં સહભાગી થતાં સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.ખાસ કરીને યુવા-યુવતીઓમાં સાંસદ સાથે સેલ્ફી લેવા અને તેમની સાથે સમય વિતાવવાનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. પૂનમબેન માડમનો ભક્તિસભર અને નૃત્યમય અંદાજ જોઈ અનેક યુવાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.