જામનગરમાં ચાલુ સ્કૂટરમાંથી કૂદીને આરોપી ભાગી જવાના પ્રકરણમાં સિટી સી ડિવિઝનના એમઓબીની મહિલા જમાદાર સસ્પેન્ડ
-
ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીને માત્ર હોમગાર્ડના હવાલે સ્કૂટર પર મોકલાતાં એસ.પી. દ્વારા કડક પગલું લેવાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦, ઓગસ્ટ ૨૬ જામનગરમાં બળજબરીથી નાણા કઢાવી લેવાના ગંભીર ગુનામાં ઝડપાયેલા આરોપીને ફોટા અને ફિંગરપ્રિન્ટ લેવા માટે એમઓબી શાખામાં લઈ ગયા બાદ પરત લઈ જતી વખતે આરોપી ચાલુ સ્કૂટરમાંથી કૂદીને સાગરીતની બાઈક પર બેસી ફરાર થઈ જવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે જામનગર જિલ્લા પોલીસ વડાએ સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગની મહિલા જમાદાર રાધાબેન ગોજીયાને સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી વિગતો મુજબ, સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારિયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટની કાર્યવાહી માટે એમઓબી શાખામાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને પરત પોલીસ સ્ટેશન લઈ જવાની કામગીરી હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ત્રિવેદીને સોંપવામાં આવી હતી.
હોમગાર્ડ કર્મચારી આરોપી મીતને એક્સેસ સ્કૂટર પર પાછળ બેસાડીને પરત લઈ જઈ રહ્યા હતા. દરમિયાન એમ.પી. શાહ કોલેજના ખૂણા પાસે બેટરીની દુકાન નજીક બે-ત્રણ વાહનો વચ્ચે ટ્રાફિકમાં સ્કૂટરની ગતિ ધીમી થતાં આરોપીએ તક ઝડપી હતી. ચાલુ સ્કૂટર પરથી નીચે કૂદી પડ્યા બાદ પાછળથી આવી રહેલા પોતાના સાગરીત પ્રકાશ ઉર્ફે પકોની બાઈક પર બેસી ગયો હતો અને બંને આરોપીઓ પુલ પરથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના બાદ પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી અને એલસીબી પોલીસે આરોપી મીતને દ્વારકામાંથી ઝડપી પાડ્યો હતો. જેનો કબજો સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયા બાદ સીટી સી. ડિવિઝન પોલીસે ધરપકડ કરી લઇ તેને જેલ હવાલે કર્યો છે.
બીજી તરફ, ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીને માત્ર એક હોમગાર્ડના હવાલે કરી સ્કૂટર પર લઈ જવાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. આરોપી ભાગી છૂટવાની ઘટનાને પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની ગંભીર બેદરકારી તરીકે જોવામાં આવી હતી.સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગની મહિલા જમાદાર રાધાબેન ગોજીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોપીને સુરક્ષિત રીતે લઈ જવાની જવાબદારી અને ઘટનામાં થયેલી બેદરકારી અંગેની કાર્યવાહી તરીકે આ સસ્પેન્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


