જામનગર અંધાશ્રમ વિસ્તારમાં એક યુવતી પર બે શખ્સોએ આચાર્યું દુષ્કર્મ

0
135388

જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં યુવતી પર અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદથી ચકચાર

  • મિત્રતા કેળવી પ્રથમ શખ્સે સંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ અન્ય શખ્સે પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું

  • સતત ધાક ધમકીઓના કારણે યુવતી મૌન રહી, પ્રેમલગ્ન બાદ જૂનો મામલો પોલીસ સમક્ષ આવ્યો: બન્ને ની પોલીસ દ્વારા અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૬, જામનગર શહેરના આવાસ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે પ્રતીક ગોસ્વામી અને અજય બરછા નામના બે શખ્સો સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આવાસ વિસ્તારમાં રહેતી વખતે તેની સાથે પ્રથમ પ્રતીક ગોસ્વામીએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી અજય બરછા નામનો લોહાણા શખ્સ પણ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ અલગ અલગ સમયે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.બંને શખ્સોએ ધમકી આપી હોવાથી યુવતી તે સમયે સમગ્ર મામલે મૌન રહી હતી. દરમિયાન યુવતીએ જામનગરના અન્ય એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન બાદ પણ અજય બરછા દ્વારા યુવતીના પતિને મોબાઈલ ફોન કરીને ગાળો આપી ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અગાઉ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અરજી કરવામાં આવી હતી.આ અરજીની તપાસ સિટી સી. ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાળો અને ધમકી આપવાના આક્ષેપમાં પોલીસે અજેય બરછા સામે ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી દરમિયાન જૂના દુષ્કર્મનો મામલો પણ પોલીસ સમક્ષ આવ્યો હતો. યુવતી સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને પ્રતીક ગોસ્વામી તથા અજય બરછા સામે અલગ અલગ સમયે આવાસ વિસ્તાર તેમજ અન્ય સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી.યુવતીની ફરિયાદના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨)(એમ), ૫૪ અને ૩૫૧(૨) મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.