જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ભાજપ સામે વિરોધના બેનરો, ખાનગી વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો રોષ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ઓગસ્ટ ૨૬, ખાનગી કંપનીની વીજ લાઈનના પ્રશ્ને ખેડૂતોમાં વધી રહેલા અસંતોષ વચ્ચે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ભાજપ સામે વિરોધના બેનરો લગાવવામાં આવ્યા છે. ગામના વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા બેનરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોને ગામમાં મત કે પ્રચાર માટે ન આવવાની ચેતવણી આપવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખાનગી કંપનીની વીજ લાઈન ખેતરોમાંથી પસાર થતાં ખેડૂતોને પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં શાસક પક્ષ અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ જેતપુર ખાતે ચાલી રહેલા ખાનગી વીજ લાઈન વિરોધી ખેડૂત સત્યાગ્રહને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી વીજ લાઈનનો પ્રશ્ન ઉકેલાશે નહીં અને સત્યાગ્રહની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરો ગામમાં પ્રચાર કરવા કે સમર્થન માંગવા આવે નહીં.આ વિરોધના ભાગરૂપે ગામમાં લગાવવામાં આવેલા બેનરો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.


