જામનગરના ઘરેલુ હિંસા કેસમાં પતિને મોટી રાહત: સેશન્સ કોર્ટના ભરણ પોષણ વધારાના આદેશ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે
-
ટ્રાયલ કોર્ટે નક્કી કરેલી અગાઉની રકમ જ ચૂકવવા હાઇકોર્ટનો આદેશ
-
પૂરતા પુરાવા વિના કરાયેલા વધારા સામે હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રીની દલીલો ગ્રાહ્ય રહી.
દેશ દેવી ન્યુઝ તા. ૩ ઓગસ્ટ ૨૬ અમદાવાદ/જામનગર: શહેરના એક ઘરેલુ હિંસાના (ડોમેસ્ટિક વાયોલન્સ) કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ભરણપોષણ અને ભાડાની રકમમાં કરવામાં આવેલા મોટા વધારાને નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્થગિત કરી દીધો છે. હાઇકોર્ટે અરજદાર (પતિ) ની દલીલોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ વચગાળાની રાહત આપી છે. જામનગરની સેશન્સ કોર્ટે પૂરતા પુરાવા વિના ભરણપોષણની રકમમાં મોટો વધારો કર્યો હતો અને ભાડા પેટે અલગથી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ હુકમથી નારાજ થઈને પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્રિમિનલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં અરજદાર (પતિ) તરફથી યુવા ધારાશાસ્ત્રી રુદ્ર મનીષ મહેતાએ સચોટ દલીલો કરતા જણાવ્યું હતું કે અરજદાર (પતિ) એક ખાનગી કંપનીમાં માત્ર અસ્થાયી (Temporary) નોકરી કરે છે. તેમની ઉપર વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની પણ જવાબદારી છે.સામેવાળો પક્ષ (પત્ની) પણ પોતાની સ્વતંત્ર આવક ધરાવે છે.
આ તમામ રજૂઆતો અને મુદ્દાઓને પ્રાથમિક તબક્કે ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા વધારવામાં આવેલ ભરણપોષણના આદેશના અમલને હાલ પૂરતો સ્થગિત (Stay) કરી દીધો છે. હાઇકોર્ટે વચગાળાની રાહત આપતા સ્પષ્ટ આદેશ કર્યો છે કે, ટ્રાયલ કોર્ટ દ્વારા અગાઉ જે ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવી હતી તે જ રકમ પતિએ નિયમિત રીતે ચૂકવવાનું ચાલુ રાખવાનું રહેશે.
આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે કોર્ટ સમક્ષ યોગ્ય આધાર અને પુરાવા ન હોય ત્યારે ભરણપોષણની રકમમાં કરાયેલા તોતિંગ વધારા સામે ઉપલી કોર્ટમાંથી ન્યાય મેળવી શકાય છે.આ સમગ્ર કેસની કાર્યવાહીમાં અરજદાર (પતિ) તરફથી જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ પરમાર અને ગુજરાત હાઈકોર્ટના યુવા ધારાશાસ્ત્રી રુદ્ર મનીષ મહેતા રોકાયેલા હતા.


