જામનગરમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ ; જામજોધપુર નો એક શખ્સ ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૪, જુલાઈ ૨૬ જામનગર શહેરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીર તરુણીનું અપહરણ થયાની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જામજોધપુરમાં રહેતો એક શખ્સ સગીરાને ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે
જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતી અને બારમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક તરુણી ગત ૧ તારીખે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. ત્યારબાદ તરુણીની માતાની ફરિયાદના આધારે પોલીસે જામજોધપુર ના રહેવાસી હાર્દિક પાથર નામના આરોપી સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. ૧ જુલાઈના રોજ હાર્દિક નામનો શખ્સ ફરિયાદીની સગીરવયની દીકરીને ફોસલાવી વાલીપણામાંથી લઈ ગયો હતો. પરિવારજનોએ પોતાની રીતે સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સગીરાને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે સગીરાના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત આરોપીના સંભવિત ઠેકાણાઓ, તેના ઓળખીતાઓ અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સગીરાને સુરક્ષિત શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કામે લગાડી વધુ તપાસ શરૂ કરી છે.


