જામનગરના બેડ ગામે પદયાત્રી સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી

0
120391

જામનગર તાલુકાના બેડ ગામે સનાતનની આસ્થા ને ઠેસ પહોંચાડે તેવો કિસ્સો : તસ્કરોએ પદયાત્રીને પણ છોડ્યા નહીં

  • જામનગર ખંભાળિયા હાઈવે પર પદયાત્રી સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી ની ત્રણ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, જૂન ૨૬ જામનગર તાલુકા વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વૃદ્ધ સંન્યાસીની સાયકલમાંથી રોકડ રકમ અને સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેથી સનાતનીઓમાં રોષ ફેલાયો છે.ફરિયાદી સકારામજી મંગનાજી ચૌહાણ (ઉ.વ. ૭૬), મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અસાડા ગામના રહેવાસી અને સંન્યાસી જીવન જીવતા હોવાનું જણાવ્યું છે. તેઓ દ્વારકાની પદયાત્રા માટે પોતાના ગામેથી ત્રણ પૈડાવાળી સાયકલ સાથે નીકળ્યા હતા. જેઓ રાજસ્થાનથી ચાર પગે ચાલીને પોતાની માનતા ઉતારવા માટે દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા છેફરિયાદ મુજબ, તા. ૨૫.૬.૨૦૨૬ના રોજ તેઓ જામનગરના બેડ ટોલનાકા નજીક આવેલી ખોડલ હોટલ ખાતે રોકાયા હતા. ત્યારબાદ તા. ૨૬ના રોજ વહેલી સવારે પદયાત્રા શરૂ કરી જામનગર-ખંભાળિયા હાઈવે પર બેડ નદી નજીક આવેલા બાપા સીતારામની મઢુલી પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાની સાયકલ અને સામાન રોડની બાજુમાં મૂકી સામે આવેલા મંદિરમાં અગરબત્તી અને પૂજા માટે ગયા હતા.આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની સાયકલ પાસે આવી ભેટ સ્વરૂપે રૂ.૫૦ આપીને વાતચીત કરવા લાગ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિ સાયકલ તરફ ગયો હતો, જ્યાં અન્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા. ફરિયાદી પૂજા પૂર્ણ કરીને પરત ફર્યા ત્યારે ત્રણેય શખ્સો મોટરસાયકલ પર જતા રહ્યા હતા.સાયકલ પાસે પહોંચી તપાસ કરતા કપડાં, સાલ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો ભરેલો થેલો તેમજ સાયકલની પાછળ લગાવેલી પતરાની પેટીમાં રાખેલા ભેટ-સોગાત રૂપે મળેલા આશરે રૂપિયા ૫૦,૦૦૦ થી રૂ.૬૦,૦૦૦ રોકડા ગાયબ હોવાનું જણાયું હતું.ફરિયાદીએ જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓ અજાણ્યા હતા, જેમાં બેની ઊંચાઈ ઓછી અને એકની ઊંચાઈ વધુ હતી. તેમની સાથે વાત કરનાર વ્યક્તિને તેઓ ઓળખી શકે તેમ હોવાનું પણ જણાવ્યું છે.આ અંગે અજાણ્યા ત્રણ શખ્સો સામે ચોરીનો ગુનો નોંધાવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવમા સિક્કા પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને આરોપીઓને શોધવા માટે અલગ અલગ સીસીટીવી કેમેરા વગેરેની મદદ લેવામાં આવી રહી છે.