જામનગર શર્મસાર : અનાથ દીકરી બની હવસખોરનો શિકાર, માતા પિતાના સહારા વિના તૂટ્યો કાળો કહેર

0
166262

જામનગરમાં હવસખોરે હદ વટાવી : માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અનાથ યુવતીને વાસનાનો શિકાર બનાવી ગુજાર્યો અત્યાચાર

  • લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી, અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું

  • પિતાના અવસાન બાદ મળેલા ક્લેઇમના રૂપિયાથી લીધેલું સોનું પણ નરાધમ શખ્સે પડાવી લીધાનો સનસનીખેજ આરોપ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ મે ૨૬, જામનગર શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને નિરાધાર બનેલી એક ૨૬ વર્ષીય યુવતીને એક નરાધમ શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે નોંધાયેલી એફઆઈઆર મુજબ, ગુલાબનગર વિસ્તારમાં રહેતા શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણી નામના શખ્સે આ યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવી, તેને લગ્નની લાલચ આપીને ફસાવી હતી. પીડિતાના માતા-પિતા આશરે ત્રણ વર્ષ પહેલાં અંકલેશ્વર પાસે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, અને ત્યારબાદ સગાસંબંધીઓએ પણ મોઢું ફેરવી લેતા તે એકદમ નિરાધાર બની ગઈ હતી. પોતાનું અને પોતાના નાના ભાઈના અભ્યાસનું ગુજરાન ચલાવવા માટે તે ઉદયપુર અને ત્યારબાદ મોરબી ખાતે નોકરી કરતી હતી. આ જ સંઘર્ષના સમયગાળા દરમિયાન, એક પરિચિત યુવતી મારફતે તેનો સંપર્ક શાહરુખ સાથે થયો હતો, જેણે તેણીની પરિસ્થિતિ જાણીને હમદર્દીનું નાટક કરી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.આ નરાધમ શખ્સે યુવતીને સારો સાથ આપવાની અને લગ્ન કરવાની મોટી મોટી લાલચો આપીને જામનગર બોલાવી લીધી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૬ સુધીના લાંબા સમયગાળા દરમિયાન આરોપી શાહરુખે પીડિતાને જામનગરના જુદા જુદા વિસ્તારોમાં જેમ કે રાજપાર્ક સોસાયટી, મોહન નગર આવાસ અને છેલ્લે લાલવાડી વિસ્તારમાં આવેલ સંવેદના એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રાખી હતી. આ સમયગાળામાં તેણે યુવતીને પત્નીની જેમ રાખી હોવાનો ડોળ કરી, તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પણ યુવતી વિરોધ કરતી ત્યારે આરોપી તેણીને ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. સમાજમાં અને સોસાયટીના રહીશો સામે પણ તેને અપમાનિત કરવામાં આવતી હતી. શારીરિક શોષણની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે છેલ્લે એપ્રિલ મહિનામાં પણ સવારના સમયે આરોપીએ બળજબરીથી બળાત્કાર ગુજારીને પીડિતાને માર માર્યો હતો, જેનાથી કંટાળીને અને ડરીને યુવતી મોરબી રહેવા જતી રહી હતી.શારીરિક અને માનસિક અત્યાચાર ઉપરાંત આ હવસખોર શખ્સે આર્થિક લૂંટ પણ ચલાવી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતાના વીમા/ક્લેઇમના જે રૂપિયા યુવતીને મળ્યા હતા, તેમાંથી ભવિષ્ય માટે ખરીદેલું સોનું (બે સોનાના બિસ્કિટ, બે વીંટી અને અડધા ગ્રામની કડલી) આરોપી શાહરુખે પોતાના નામે બિલ બનાવીને બળજબરીથી પડાવી લીધું હતું અને પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરિવારનો કોઈ ટેકો ન હોવાથી અને આરોપીના ડરના કારણે પીડિતા લાંબા સમય સુધી પોલીસ ફરિયાદ કરી શકી ન હતી. જોકે, છેવટે તેમના પિતાના એક મિત્ર નો સંપર્ક થતાં અને તેમણે હિંમત આપતા, આખરે આ પીડિત યુવતીએ સમાજનો ડર છોડીને જામનગરના સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં શાહરુખ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૬૪(૧) અને ૧૧૫(૨) હેઠળ વિધિવત ફરિયાદ નોંધાવી છે. નિરાધાર દીકરી પર થયેલા આ ઘોર અત્યાચારની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અને પોલીસે ગુનો નોંધી આરોપીને કાયદાના સકંજામાં લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.