જામનગરમાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો LCB એ ૨.૦૪ લાખના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ મે ૨૬, જામનગર શહેરમાં થયેલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ઇલેક્ટ્રિક કેબલના બંડલ તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨,૦૪,૧૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજી ફરાર છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ ઇન્ચાર્જ એસ.પી. શ્રી પ્રતિભાબેન ના નિર્દેશન મુજબ વણશોધાયેલ ચોરીના ગુનાઓ ઉકેલવા એલ.સી.બી.ને સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી. ભાટીયા તથા ટીમે કમાન્ડ કંટ્રોલ (નેત્રમ)માં સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મળેલ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નવા બનતા રહેણાંક મકાનોમાં રાત્રિના સમયે ઘુસી ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતા (૧) સંજયભાઈ મધુભાઈ સઠોડ, રહે. ધસનગર-૨, (૨) પરબતભાઈ મધુભાઈ રાઠોડ, રહે. ધરારનગર-૨,(૩) અમિતભાઈ શકુરભાઈ કાનાભાઈ, રહે. ધરારનગર-૨, સાતનાળા પાસે, જામનગર વાળાને તેમના રહેણાંક સ્થળેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રિક કેબલના બંડલ નંગ-૪૮ કિંમત રૂ. ૧,૫૪,૧૦૦ તથા ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૦૪,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે સુમાર દાદુભાઈ પરમાર, રહે. ધરારનગર-૨, જામનગર ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે નવા બની રહેલા મકાનોની દિવાલ ટપી અંદર પ્રવેશ કરી દરવાજાના નકૂચા તોડી ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતા હતા.આ કામગીરી દરમિયાન પોલીસે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


