જામનગર અપહરણ કાંડ : કોર્ટે રિમાન્ડ ફગાવ્યા, આરોપીઓને જેલહવાલે કરાયા
-
27 લાખના બ્લેક-વ્હાઈટ કાંડમાં ટ્વિસ્ટ : કોર્ટે કહ્યું , રિમાન્ડની જરૂર નથી
-
આરોપીઓ :- જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા
-
27 લાખના બ્લેક-વ્હાઈટ વ્યવહારમાં 10 લાખની ખંડણી વસૂલાઈ હતી તેની સામે બચાવ પક્ષના વકીલ રાજેશ ગોસાઈની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી
દેશ દેવી ન્યુઝ તા. 27 એપ્રિલ 26 જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા બ્લેકમનીના વ્યવહારમાં રાજકોટના બેંક કર્મચારી અને તેમના પરિવારનું અપહરણ કરી જામનગરના બંગલામાં બંધક બનાવવાના ચકચારી કેસમાં જામનગર કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. પોલીસે માંગેલા 10 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટે ગણતરીની કલાકોમાં ફગાવી દીધી છે.
તા. 24/04/2026ના રોજ ફરિયાદી નિમેશભાઈ તન્ના પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ચોટીલા ટોલનાકા પાસે સ્કોર્પિયોમાં આવેલા આરોપીઓએ તેમની કાર રોકી, બળજબરીપૂર્વક અપહરણ કરી જામનગરના ગીતામંદિર પાસેના બંગલામાં બંધક બનાવ્યા હતા. આરોપ છે કે ચિરાગ આહિર મારફત આરોપી જયદીપસિંહ જાડેજા સાથે 27 લાખની રકમ વ્હાઈટમાંથી બ્લેક કરવાનો સોદો થયો હતો. સમયસર નાણાં પરત ન મળતા આરોપીઓએ કાવતરું રચ્યું. બંધક બનાવ્યા બાદ મોબાઈલ છીનવી માર મારી, જાનથી મારવાની ધમકી આપી આંગડિયા મારફત 10 લાખ રૂપિયા મંગાવ્યા હતા. રકમ મળ્યા બાદ પરિવારને છોડ્યો, પણ ફરિયાદીને અન્ય જગ્યાએ લઈ જઈ વધુ દબાણ કરાયું હતું. પરિવારની ફરિયાદ બાદ ચૂંટણી જેવા વ્યસ્ત માહોલમાં પણ IG ખુદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આરોપીઓ જયદીપસિંહ મંગળસિંહ જાડેજા, ચિરાગ સુરેશભાઈ આહિર, એજાજ ગફારભાઈ સાથચા, અક્ષય રામભાઈ ચાવડા અને અમિત દયાળજીભાઈ ચાવડાની ધરપકડ કરી ફરિયાદીને છોડાવ્યા હતા.
કોર્ટમાં જામ્યો હતો કાનૂની જંગ
પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગતા દલીલ કરી કે આરોપીઓ મોટું બ્લેક-વ્હાઈટનું નેટવર્ક ચલાવે છે. મુળ સુધી પહોંચવા, મુદ્દામાલ કબજે કરવા રિમાન્ડ જરૂરી છે. આખી ગેંગ સક્રિય છે અને તમામ ક્રિમિનલ છે.
આરોપીઓના વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ સહિતનાઓએ દલીલ કરી કે આ બ્લેક-વ્હાઈટનો નહીં, અપહરણ અને ખંડણીનો કેસ છે. મુદ્દામાલ કબજે થઈ ગયો છે. પૈસાના વ્યવહારોને ખોટી રીતે ફોજદારી ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેથી રિમાન્ડ રિપોર્ટ રદ થવો જોઈએ.કોર્ટનો મહત્વનો નિર્ણય બંને પક્ષો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે રિમાન્ડ રિપોર્ટનો અભ્યાસ કરતા રિમાન્ડ આપવા જરૂરી જણાતા નથી. મુદ્દામાલ મળી ગયો હોવાથી તમામ 5 આરોપીઓના રિમાન્ડની માંગણી ફગાવી દેવામાં આવી છે. હવે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.આરોપી તરફે ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહીલ, રજનીકાંત નાખવા, નિતેષ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા


