જામનગરમાં રાજકોટના બેંક કર્મચારીને પરિવાર સાથે કિડનેપ કરી બંગલામાં બંધક બનાવ્યો

0
159867

જામનગરમાં બ્લેકના નાણાંને લઈ અપહરણકાંડ : રાજકોટના બેંક કર્મચારીને પરિવાર સાથે કિડનેપ કરી બંગલામાં બંધક બનાવ્યો

  • ૯.૭૫ લાખની ઉઘરાણી બાદ પોલીસે પહોંચી જઈ રાજકોટના યુવાન ને બચાવ્યો: જ્યારે આરોપીઓને અટકાયતમાં લીધા

  • સ્કોર્પિયો ગાડીથી રસ્તામાં અટકાવી અપહરણ, મારકૂટ અને જાનથી મારી નાખવાની ધમકી; આંગડિયા મારફતે કટકે કટકે રૂપિયા પડાવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭,એપ્રિલ ૨૬ જામનગરમાં બ્લેક નાણાંને વ્હાઇટ કરવા સંબંધિત વ્યવહારમાંથી ઊભા થયેલા વિવાદે ગંભીર અપહરણકાંડનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી આરોપીઓએ જામનગરના એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખી, મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ફરીયાદ મુજબ, આરોપી ચિરાગ આહિર મારફતે જયદીપસિંહ જાડેજા સાથે વ્હાઇટ નાણાંને બ્લેકમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવહારમાં ૨૭.૨૦ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા, પરંતુ સમયસર રકમ પરત ન થતા આરોપીઓએ કાવતરું રચ્યું હતું.તા. ૨૪ એપ્રિલની સાંજે ફરિયાદી પોતાના પરિવાર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યો હતો, ત્યારે ચોટીલા ટોલ નાકા નજીક સ્કોર્પિયો ગાડી આડી રાખી આરોપીઓએ તેમની કાર રોકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી, તેની પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવરનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું.આરોપીઓ ફરિયાદીને જામનગર પરત લાવી ગીતામંદિર નજીકના બંગલામાં એક રૂમમાં બંધક બનાવી દીધો હતો. મોબાઇલ ફોન છીનવી લઈ, મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પૈસા આપવા દબાણ કર્યું હતું.દબાણમાં આવી ફરિયાદીએ અલગ-અલગ જગ્યાએથી આંગડિયા મારફતે અને રોકડ મળીને કુલ રૂ. ૯.૭૫ લાખ આરોપીઓને આપ્યા હતા. તેમ છતાં વધુ રકમ માટે ફરીયાદીને બંધક રાખી, સતત મારકૂટ અને ધમકીઓ આપતા રહ્યા હતા.આ ઘટનામાં ફરિયાદીની પત્ની અને પરિવારજનોને મુક્ત કર્યા બાદ ફરિયાદીને ફરી અન્ય સ્થળે લઈ જઈ વધુ રકમ માટે દબાણ કરવામાં આવ્યું હતું. આખરે ફરીયાદીએ પત્નીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.સિટી બી. ડિવિઝનપોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓના કબજામાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યો હતો અને અપહરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.