જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે બે વાહનો અથડાઈ પડતાં મોટી ગોપ ગામના માતા પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજા
-
ઇકો કાર પડીકું વળી ને માર્ગ પર આડે પડખે થઈ: માલ વાહક વાહન પણ કાર સાથે અથડાયા બાદ વીજપોલ સાથે ટકરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૬, જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક ઇકો કાર અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક અને તેના માતા તથા ભાભી સહિત ત્રણ વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે. જે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા ઋષિકેશભાઇ મહેશભાઈ જોશી કે જેઓ પોતાની ડી.ડી.- ૦૧ સી. ૬૦૦૭ નંબરની ઇકો કારમાં પોતાના માતા ગૌરીબેન (ઉ.વ. ૫૦) અને મોટાભાભી ક્રિષ્નાબેન (ઉંમર વર્ષ ૩૦) ને બેસાડીને મોટી ગોપ થી જામનગર આવ્યા હતા, અને ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ ટી.વાય. ૧૯૭૭ નંબરની સુઝુકી કંપનીની કેરી મોડલની માલવાહક ગાડી ના ચાલકે ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં ઈકો કારનો બુકો બોલી ગયો હતો અને માર્ગ પર પડીકું વળીને આડા પડખે થઈ ગઈ હતી. કાર ચાલક રૂષિકેશભાઇ તેના માતા ગૌરીબેન તથા ભાભી ક્રિષ્નાબેન ત્રણેયને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવ અંગે રૂષિકેશભાઈએ ઉપરોક્ત માલવાહક વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.


