જામનગર જિલ્લા ના કાલાવડ ટાઉનમાં પેરાશૂટ સાથે એક વ્યક્તિ વીજ વાયર પર પડ્યો : સદનશીબે કોઈ જાનહાનિ નહીં
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩, જાન્યુઆરી ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખી ઘટના બની છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં આ યુવક લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે નીચે આવી રહ્યો હતો. તે સમયે તેનું પેરાશૂટ અચાનક વીજ વાયર સાથે ફસાઈ ગયું, જેના કારણે યુવક નીચે પટકાયો હતો.
આ ઘટનાની જાણ થતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ વ્યક્તિ કોણ છે, તેણે ક્યાંથી ઉડાન ભરી હતી, અને કઈ દિશામાં જવાનું હતું તે અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે પેરાશૂટ પહેરીને ઉડાન ભરવાનું કારણ શું હતું. સમગ્ર મામલે અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, અને પેરાશૂટથી ઉડાન ભરનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આસપાસના લોકોએ અગાસી પરથી પેરાશૂટ ઉડાવતો અને પછી જમીન પર પટકાયો તેનો વીડિયો ઉતાર્યો હતો. રસ્તા પર લોકોની અવરજવર હોવાથી થોડા સમય માટે લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા, જોકે પેરાશૂટ સાથે પડેલો યુવાન ત્યાંથી જતો રહ્યો હતો.


