જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાન સાથે કારચાલકે ફરજમાં રૂકાવટ ઊભી કર્યા ની પોલીસ ફરિયાદ
-
આડેધડ કાર પાર્ક કરનાર ને ટ્રાફિકના જવાને કાર સાઈડમાં લેવાનું કહેતાં તેણે ટ્રાફિક બ્રિગેડના જવાનને હડફેટે લઈ ૧૦ મીટર સુધી ઢસડ્યો
-
ઇજાગ્રસ્ત ટીઆરબી જવાન મૂર્છિત થયા પછી તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ: હોઠમાં પાંચ ટાંકા લેવા પડ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭,ડિસેમ્બર ૨૫ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે ૧૦ મીટર સુધી ઢસડયો હતો, જેથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અને પોતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી હાથ પગમાં સારવાર લેવી પડી છે, જ્યારે હોઠમાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. જેણે કાર ચાલક સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર કબજે કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડ્રીમ સીટી શેરી નંબર -૨ માં રહેતો અને શહેરની ટ્રાફિક શાખામાં ટ્રાફિકબ્રિગેડ તરીકે ફરજ બજાવતો જીલ રમેશભાઈ બગડા નામનો ૨૨ વર્ષનો ટ્રાફિકનો જવાન, કે જે પરમદીને બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહ્યો હતો, જે દરમિયાન જી.જે. -૩ એન.બી. ૯૦૮૦ નંબરનો કારનો ચાલક કે જણે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે માર્ગ ઉપર કાર પાર્ક કરી હતી, જેથી તેને કાર સાઇડમાં લેવાનું કહેતાં અને ટ્રાફિકના અધિકારી બોલાવે છે, તેમ કહેતાં કારચલક સૌપ્રથમ મસાલો ખાવા માટે નીચે ઉતર્યા બાદ એકાએક પોતાની કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો.
આથી ટીઆરબી ના જવાન જીલ બગડાએ તેની કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન કારચાલકે તેને ૧૦ મીટર દૂર સુધી ઢસડ્યો હતો, જેથી ટીઆરબી નો જવાન ઈજાગ્રસ્ત બન્યો હતો જેને હોઠ પર, માથામાં, હાથ-પગમાં અનેક સ્થળે છોલ છાલ સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને મૂર્છિત થયો હતો.ત્યારબાદ તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર અપાઈ હતી. એ ઉપરાંત હોઠ ફાટી ગયો હોવાથી પાંચ ટાંકા પણ લેવા પડ્યા છે.
આ બનાવ અંગે જીલ બગડા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-૩ એન.બી. ૯૦૮૦ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇ એમ.વી. દવેએ આ પ્રકરણમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૧-૧, ૨૨૧,૨૮૫ તેમજ એમવી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને કાર કબજે કરી લઇ તેના ચાલક નિર્મળ સિંહ ગુલાબસિંહ જાડેજા ને નોટીસ આપી દીધી છે.


