જામનગર નજીક ગોરધનપરમાં ૧૦૦ વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું
-
ત્રણ ઈંટોના ભઠ્ઠા, ૧૦ મકાનો, પાંચ નાની મોટી હોટલ સહિતના બાંધકામો દૂર કરવા માટે ‘પીળા પંજા’ની મદદથી કાર્યવાહી હાથ ધરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ ડિસેમ્બર ૨૫, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે ૧૦૦ વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.ગોરધન પર નજીક મુખ્ય રોડ પાસે જ આવેલી અતિ કીમતી ૧૦૦ વીઘા સરકારી જમીન, કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતા, અને કાચા પાકા મકાનો – હોટલ, ઇટો ના ભઠ્ઠા વગેરે ખડકીને દબાણ સર્જી દેવાયું હતું.
જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપી દેવાઇ હતી, ત્યારબાદ આજે સવારથી ઉપરોક્ત વિસ્તારમાં ‘પીળો પંજો, પડ્યો છે, અને અનેક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ભારે અફડા તફડી મચી ગઈ છે. સ્થાનિકોના દેકારા ની વચ્ચે પોલીસ પેહરો ગોઠવીને ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોરધનપર ગામની સર્વે નંબર ૧૦૩,૧૦૪ અને ૧૦૫ નંબરની કુલ ૧૦૦ વીઘા જમીન છે, જેમાં હાલ ખેતી વિષયક ત્રણ દબાણો ખડકી દેવાયા હતા, ઉપરાંત ચાર ઈંટોના ભઠ્ઠા, ૧૦ કાચા પાકા રહેણાક મકાનો, ૪ થી ૫ નાની હોટલો વગેરે ખડકી દેવાઇ હતી,જે તમામ દબાણોને હટાવવા માટેની આજે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા ના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે. ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


