જામનગરમાં સિવિલ ડ્રેસમાં આવેલા ટ્રાફિક પોલીસ કર્મીએ ચાલુ કારમાં લોક મારી દેતા દેકારો : Video થયો વાયરલ

0
8041

જામનગરમાં એસટી ડેપો રોડ , મીગ કોલોની પાસે સિવિલ ડ્રેસ માં આવેલા ટ્રાફિક પોલીસ કર્મીએ એક ચાલુ કારમાં લોક મારી દેતાં દેકારો બોલી ગયો

  • દવા લેવા ઉભેલા યુવાને મોબાઇલ ફોનમાં કાર લોક કરવાનો વિડીયો બનાવી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો

  • લોકોનો ટોળા એકત્ર થતા કાચુ કપાયુ હોવાનું જણાઈ આવતાં પોલિસ કર્મીએ લોક ખોલી ચાલતી પકડી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯, જૂન ૨૫ જામનગરમાં એસટી ડેપો રોડ પર શનિવારે બપોરે એક કાર ચાલક યુવાન પોતાની કારમાં એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવ્યો હતો, અને ઇમરજન્સી હોવાથી પોતાની કાર ચાલુ રાખીને તેમાંથી ઉતરી દવા લઈ રહ્યો હતો. જે દરમિયાન સાદા ડ્રેસ માં આવેલા ટ્રાફિક શાખા ના એક પોલીસ કર્મીએ તેની કારમાં લોક માર્યો હતો. જે વેળાએ કાર ચાલક યુવાન હાજર હતો , અને તેણે લોક નહીં મારવા અને પોતાની કાર ચાલુ હોય પ્રતિકાર કર્યો હતો, અને આ સમગ્ર ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવી લીધો હતો.

જે દરમિયાન પોલીસ કર્મી અને કાર ચાલક વચ્ચે રકઝક થઈ હતી, અને કારચાલક નો મોબાઇલ ઝુંટવી લેવાનો પણ પ્રયાસ થયો હતો. આખરે લોકોનું ટોળું એકત્ર થઈ જતાં ખાનગી ડ્રેસ માં રહેલા પોલીસ કર્મી દ્વારા તેની કારનો લોક ખોલી દેવામાં આવ્યો હતો, અને કાર ચાલક પોતાની કાર લઈને આખરે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. સાદા ડ્રેસમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારની આ પ્રકારની કામગીરી અને વર્તન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.