જામનગર : ઘાડ સાથે લૂંટના ગુનામાં પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ નવેમ્બર ૨૬ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્લોટ ખરીદવા બાબતે થયેલા વિવાદ અને ઘાડ તથા લૂંટના ગુનામાં પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરીયાદી ભૂપેન્દ્રભાઈ કેશવજીભાઈ ડોબરિયાના બાપુજીએ વર્ષ ૧૯૯૭ માં ગોકુલનગર મેઈન રોડ પાસે આવેલ જમીનમાં પ્લોટ ખરીદ્યો હતો. ત્યારબાદ તા. ૦૨/૦૭/૨૦૧૩ ના રોજ જ્યારે ફરીયાદી પોતાના પ્લોટ પર સાફ-સફાઈ કામ માટે ગયા હતા, ત્યારે અનિલ મેર, કાનજી ગઢવી, રમેશ પરિયા અને કુલદીપસિંહ કિરિટસિંહ પરમાર તેમજ અન્ય દસ જેટલા શખ્સો બેઝબોલના ધોકા, પાઈપ અને લાકડીઓ લઈને આવ્યા હતા.
આરોપીઓ દ્વારા ફરીયાદીને બેફામ માર મારવામાં આવ્યો હતો, ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા અને મોબાઈલ લૂંટી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૫૫, ૫૦૬, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન ફરીયાદ પક્ષ દ્વારા કુલ ૨૦ સાક્ષીઓ અને ૧૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈને તારણ કાઢ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધના તહોમતોમાં મહત્વના અને અગત્યના વિરોધાભાસી જણાઈ આવે છે તેમજ ગુનાના આવશ્યક તત્વોની પરિપૂર્તિ થતી ન હોય, તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી કુલદીપસિંહ કિરિટસિંહ પરમાર તરફથી જામનગરના ધારાશાસ્ત્રીશ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા રોકાયેલા હતા

