જામનગર : જોગવડ પાટિયા પાસે જૂની તકરારનો ખાર રાખી બંને જૂથ સામસામે આવી ગયાં : સામસામી ફરિયાદો નોંધાઈ
-
સ્કોર્પિયો અને હેરિયર કારમાં આવેલા શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો, બંને પક્ષના લોકો ઘવાયા
-
આરોપી – (૧) કરશનભાઈ આલાભાઈ વાધેલા તથા (૨) વરશીગભાઈ મેઘાભાઈ ભાંગરા તથા અન્ય પાંચ અજાણ્યા
-
આરોપી :- (૧) નરેન્દ્ર વાસુ ઉર્ફે મુનાભાઈ વાંસુ,(૨) ધવલ વાસુ,(૩) સુમિત વાસુ,(૪) વિજય ભટ્ટ,(૫) જીતાભાઈ વાસુ (૬) ત્રણ અજાણ્યા ઈસમો
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૧નવેમ્બર ૨૬ : જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક હેઠળના જોગવડ પાટિયા પાસે દેપાણી હોટેલ નજીક વાહન ચલાવવા બાબતે થયેલી જૂની તકરારનો ખાર રાખીને બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં સામસામી ફરિયાદો નોંધાઈ છે. બંને પક્ષના શખ્સોએ એકબીજા પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
પ્રથમ બનાવમાં જોગવડ ગામે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગાંગારામભાઈ વાસુએ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૮ના રાત્રિના સમયે તેમના પુત્ર સુમિત, ભત્રીજા ધવલ અને ભાણેજ પાર્થ હેરિયર કારમાં જતા હતા, ત્યારે કરશનભાઈ આલાભાઈ વાઘેલાએ સ્કોર્પિયો કાર આડી કરી તેમને રોક્યા હતા. ત્યારબાદ સાહેદોને માર મારી ગાળો આપી ત્યાંથી નીકળી જવાની ધમકી આપી હતી.
આ બનાવના અનુસંધાને તા. ૯ના સવારે કરશનભાઈ વાઘેલાએ ફોન કરીને ફરિયાદી અને અન્ય લોકોને જોગવડ પાટિયા પાસે દેપાણી હોટેલ નજીક બોલાવ્યા હતા. જ્યાં કરશનભાઈ, વરશીંગભાઈ ભાંગરા તથા અન્ય પાંચ અજાણ્યા શખ્સોએ ભેગા મળી ગેરકાયદે મંડળી રચી હતી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નરેન્દ્રભાઈને મુઢમાર મારવામાં આવ્યો હતો. જ્યારે વિજય ભટ્ટને જમણા હાથમાં, જીતેશભાઈને ડાબા હાથના કાંડા પાસે ઇજા થઈ હતી. અન્ય લોકોને પણ માર મારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
બીજી તરફ સામા પક્ષે જોગવડ પાટિયા પાસે રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૮ના રોજ કાર ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને નરેન્દ્રભાઈ વાસુએ ફોન કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ નરેન્દ્રભાઈ, ધવલ વાસુ, સુમિત વાસુ, વિજય ભટ્ટ, જીતાભાઈ વાસુ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો હેરિયર કારમાં જોગેશ્વર હોટેલ પાસે આવ્યા હતા.
આ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી હાથમાં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ ધારણ કર્યા હતા. આ દરમિયાન નરેન્દ્રભાઈએ કરશનભાઈના ડાબા હાથમાં ધોકાનો ઘા માર્યો હતો, જ્યારે વિજય ભટ્ટે લોખંડના પાઇપ વડે જમણા પગમાં ફટકો માર્યો હતો. ત્યારબાદ માથાના પાછળના ભાગે પણ ધોકાનો ઘા ઝીંકી અન્ય શખ્સોએ આડેધડ માર મારતાં બંને પગ અને ડાબા હાથ સહિત શરીરે ઇજાઓ થઈ હતી.બંને પક્ષે એકબીજા સામે ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. મેઘપર (પડાણા) પોલીસે બંને ગુનામાં સામસામી ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

