જામનગરમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ૧૯,૫૨૨ દારૂની બોટલો જપ્ત!

0
207

જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

  • માનસી હોટલ પાછળ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસનો દરોડો: રૂ. ૫૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે

  • એકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા સહિત ૧૦ આરોપીઓ ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ ઓક્ટોબર ૨૬: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૯,૫૨૨ બોટલો સહિત કુલ રૂ. ૫૩,૭૮,૫૧૭નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં એક વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ ના ભાજપ ના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણિયા ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા સહિત કુલ ૧૦ આરોપીઓને ફરાર દર્શાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૦નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાનું નામ આ પ્રકરણમાં સામે આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. જોકે, આ મામલે પોલીસની તપાસ અને કાયદાકીય કાર્યવાહી આગળ વધવાની બાકી છે.

બાતમીના આધારે ગોડાઉન પર દરોડો: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ એમ. ઝાલા તથા ગીરીરાજસિંહ કે. જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયાના કબજા-ભોગવટાવાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉન પાસે બે અશોક લેલેન્ડ પીકઅપ અને એક ટાટા છોટા હાથી વાહનમાંથી દારૂની હેરફેર અને કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અશોક લેલેન્ડ પીકઅપના ચાલક ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક (ઉંમર ૩૭ વર્ષ, રહે. નવાગામ ઘેડ, સ્વામિનારાયણ સોસાયટી, જામનગર)ને ઝડપી લીધો હતો.

દારૂની ૧૯,૫૨૨ બોટલોનો જથ્થો મળ્યો : પોલીસે ગોડાઉન અને વાહનોની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૯,૫૨૨ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં ત્રણ વાહનો અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૫૩,૭૮,૫૧૭ થવા જાય છે.

ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાએ વેચાણના હેતુથી બહારથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. ગોડાઉનમાં દારૂનું કટિંગ કર્યા બાદ સ્થાનિક બુટલેગરો તથા અન્ય સંડોવાયેલા ઇસમોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી હોવાનું જણાવાયું છે.

મુખ્ય સૂત્રધાર સહિત ૧૦ આરોપીઓની શોધખોળ

આ પ્રકરણમાં હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા સહિત કુલ ૧૦ આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે. પોલીસે તમામને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની હેરફેરમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને સ્થાનિક સ્તરે કોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

કબજે કરાયેલો રૂ. ૫૩.૭૮ લાખનો મુદ્દામાલ : વિદેશી દારૂની ૧૯,૫૨૨ બોટલો રૂ. ૪૦,૬૮,૫૧૭,અશોક લેલેન્ડ બડા દોસ્ત પીકઅપ (GJ 10 TY 1965)- રૂ. ૫,૦૦,૦૦૦ અશોક લેલેન્ડ દોસ્ત પીકઅપ (GJ 10 TX 6472) રૂ. ૫,૦૦,૦૦૦ /- ટાટા છોટા હાથી (GJ 10 TX 7053)- રૂ. ૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન- રૂ. ૧૦,૦૦૦ /-કુલ મુદ્દામાલ- રૂ. ૫૩,૭૮,૫૧૭

પોલીસની યાદી મુજબ ફરાર દર્શાવાયેલા ૧૦ આરોપીઓ

(૧) હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા — રાજપાર્ક, જામનગર.

(૨) સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઈ દોણાસીયા — રાજપાર્ક, જામનગર.

(૩) સુનીલ બારૈયા — રાજપાર્ક, જામનગર.

(૪) દિલીપ — જૂના રેલવે સ્ટેશન પાસે, જામનગર.

(પ) મેરૂ રામા રબારી — પાસ્તર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો.

(૬) યોગેશ કોળી — ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર.

(૭) રાહુલ રેશીયા — ભીમવાસ, જામનગર.

(૮) વીમલો ડોડારો — જામનગર.

(૯) રોહિત કોળી — શંકરટેકરી, જામનગર.

(૧૦) જીગો સોલંકી ખવાસ — પંચેશ્વર ટાવર, જામનગર.

દરોડામાં કામગીરી કરનાર પોલીસ ટીમ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, એ.એસ.આઈ. નિર્મળસિંહ બી. જાડેજા, જયપાલસિંહ વી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ જે. જાડેજા, ચેતનભાઈ આર. ઘાઘરેટીયા, ગીરીરાજસિંહ કે. જાડેજા, હરદેવસિંહ એમ. ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ, દિગ્વિજયસિંહ જાડેજા, કરણભાઈ શિયાર અને મયુરસિંહ ઝાલા સહિતના સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી.