જામનગરના હોનહાર વિદ્યાર્થી નક્ષતરાજસિંહ જાડેજાની પ્રેરણાદાયી સિદ્ધિ: AIIMSમાં પ્રવેશ મળવા છતાં હોમટાઉન જામનગરની MP શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ પસંદ કરી
-
નક્ષતરાજસિંહ જાડેજા ના પિતા પી.એમ જાડેજા (P. M Jadeja) એક મોટીવેશનલ સ્પીકર, લીડરશીપ કોચ અને કોર્પોરેટ ટ્રેનર તરીકે ખુબજ જાણીતા છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ સપ્ટેમ્બર ૨૬ તાજેતરમાં જાહેર થયેલા મેડિકલ એડમિશનના પરિણામોમાં જામનગરના તેજસ્વી વિદ્યાર્થી નક્ષતરાજસિંહ જાડેજાએ ઓલ ઈન્ડિયા લેવલે ૧૦૭૩મો (1073) રેન્ક મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આટલો ઉત્કૃષ્ટ રેન્ક હોવાના કારણે દેશની પ્રતિષ્ઠિત AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ) જેવી પ્રીમિયમ સંસ્થામાં MBBSમાં સરળતાથી પ્રવેશ મળી શકે તેમ હતો.
આમ છતાં, નક્ષતરાજસિહજીએ પોતાની માતૃભૂમિ અને હોમટાઉન પ્રત્યેના વિશેષ પ્રેમ તેમજ સ્થાનિક સેવાના સંકલ્પ સાથે જામનગરની જ સુપ્રસિદ્ધ એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ પસંદ કરીને એક આગવો દાખલો બેસાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નક્ષતરાજસિંહના પરિવારમાં તબીબી સેવાનો પાયો પહેલેથી જ મજબૂત રહ્યો છે. તેમના બહેન ડો. કૃપાક્ષીબા જાડેજાએ પણ એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર ખાતેથી જ પોતાનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને તેમના પિતા પી. એમ. જાડેજા (P. M. Jadeja) એક જાણીતા મોટીવેશનલ સ્પીકર, લીડરશીપ કોચ અને કોર્પોરેટ ટ્રેનર તરીકે જાણીતા છે. તેઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને કોર્પોરેટ ક્ષેત્રે પર્સનાલિટી ડેવલપમેન્ટ, નેતૃત્વ અને સકારાત્મક વિચારસરણી પર પોતાના વ્યાખ્યાનો અને સેશન્સ આપવા માટે ઓળખાય છે. પરિવારની આ જ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા અને જામનગરની મેડિકલ કોલેજની ગુણવત્તા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા નક્ષતરાજસિહજીએ હોમટાઉનમાં જ રહીને ડોક્ટર બનવાનો નિર્ણય લીધો છે.
ઉચ્ચ રેન્ક મેળવ્યા બાદ પણ મેટ્રો સિટી કે બહારની મોટી સંસ્થાઓ તરફ જવાને બદલે જામનગરની સરકારી મેડિકલ કોલેજ પર પસંદગી ઉતારવાના આ નિર્ણયની તબીબી આલમ અને સ્થાનિક નાગરિકોમાં ભારે સરાહના થઈ રહી છે.

