જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝ દરમિયાન ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું
-
બન્ને પક્ષે મારામારી ના બનાવોમાં પાંચ વ્યક્તિ ઘાયલ: બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, જૂન ૨૬ જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા દરમિયાન બાળકો વચ્ચે થયેલી ધકામુક્કી બાદ બે પક્ષો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બેડીમરીન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોની સામસામે ફરિયાદોના આધારે ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ અનવરભાઈ સુલેમાનભાઈ સંઘારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની દિકરીનો દિકરો અને સામા પક્ષના દિકરા વચ્ચે નિયાઝની પ્રસાદી લેતી વખતે ધકામુક્કી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી તનવીર ગુલામ જેડા, ઝરીનાબેન ગુલામ રજાક જેડા, હુશેનાબેન ઓસમાણભાઈ જેડા, જુબીબેન રજાકભાઈ જેડા, શકીનાબેન અસગર જેડા, કાદર ઇસ્માઈલ ચૌહાણ અને ગુલામ રજાક જેડા સહિતના આરોપીઓએ એકત્ર થઈ ગેરકાયદે મંડળી બનાવી હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો તેમજ પથ્થરમારો કર્યો હતો, જેમાં અનવરભાઈ તથા તેમના નવાસાને ઇજાઓ પહોંચી હતી. સાથે જ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ફરિયાદના આધારે બેડીમરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫(અ), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ ઝરીનાબેન ગુલામ રજાક જેડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના દિકરા અને અનવર સંઘારની દિકરી વચ્ચે નિયાઝની પ્રસાદી લેતી વખતે ધકામુક્કી થઈ હતી. ત્યારબાદ સમજાવવા જતાં યાસ્મીન અનવર સંઘાર, અનવર સંઘાર, ફરીદાબેન અનવર સંઘાર અને એજાજ અનવર સંઘાર ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારપીટ કરી હતી. ફરિયાદ મુજબ અનવર સંઘારે લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બેડીમરીન પોલીસ દ્વારા બંને ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.

