જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળના ગોલ્ડન સીટી વિસ્તારમાં પ્રથમ વરસાદની સાથે જ મોકાણ શરૂ
-
પાણી ના ખાબોચીયા ભરાઈ જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ : બાળકો સહિત સ્થાનિક રહેવાસીઓ થયા પરેશાન
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જૂન ર૫ જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું, પરંતુ કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સમસ્યા ની ભરમાર શરૂ થઈ છે. કેટલાક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને ગોલ્ડન સીટી વિસ્તાર જળબંબાકાર બન્યો છે. શહેરમાં માત્ર એક ઈંચ વરસાદ પડ્યો છે, પરંતુ ગોલ્ડન સીટી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી છે, અને ના છૂટકે પાણી ના ખાબોચિયા માંથી પસાર થવું પડ્યું છે.
આ વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, અને માર્ગમાં મોટા ખાડા હોવાથી પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે, જેના કારણે વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાના તંત્રએ આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.