જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ઉર્ષ ના કાર્યક્રમ માંથી પરત ફરી રહેલા બાઈક ચાલકો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાતા ગંભીર સ્વરૂપે ઘાયલ
-
નવાગામ ઘેડ સહિતના વિસ્તારના ૨૦ યુવકો વિડીયો બનાવીને ફૂલ સ્પીડે પર ફરતા હતા દરમિયાન ખીજડીયા પાસે અકસ્માત નડ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૫, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે જામનગર તરફ આવી રહેલું એક બાઈક એક ટ્રક સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઇકના ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના ૧૮ વર્ષના યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને તેને લોહી લુહાણ હાલતમાં ૧૦૯ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને હાલ તેની આઇ.સી.યૂ. વીભાગમાં સધન સારવાર ચાલી રહી છે.
આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત યુવાન અંકિત મકવાણા કે જે જામનગરમાં નવાગામ ઘેડ- હનુમાન ચોક વિસ્તારમાં રહે છે, તેની સાથેના અન્ય ૨૦ જેટલા યુવાનો કે જેઓ શનિવારે રાત્રે લૈંયારા નજીક એક ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી તમામ યુવાનો પોત પોતાના બાઈક ની રેસ કરીને જામનગર પરત ફરી રહ્યા હતા, જેમાં એક યુવાન પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો.જે દરમિયાન અંકિત મકવાણા એક ટ્રક સાથે અથડાઈ પડ્યો હતો, જેનો પણ વિડિયો બનાવ્યો હતો, અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સમગ્ર અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.