જામનગરમાં ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા

0
782

જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા

  • કાતિલ બરફીલા ઠંડા પવનને લઈને રાત્રિ દરમિયાન માર્ગો સુમસામ: લોકોએ ઘરમાં ભરાઈને રહેવાનું પસંદ કર્યું : વહેલી સવારે જાકળ વર્ષા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૪,જાન્યુઆરી ૨૬ જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી ધીમે ધીમે બોકાસો બોલાવી રહી છે. છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે, અને લોકો થરથર કાપી રહ્યા છે.છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો હતો, અને સુસ્વાટા મારતા બરફીલા ઠંડા પવને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વહેલી સવારે પણ લોકોની ઓછી હાજરી જોવા મળે છે, અથવા તો ગરમ વસ્ત્રોમાં જ લપેટાઈને નીકળવાનું લોકો પસંદ કરી રહ્યા છે.

ઉપરાંત સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલા જ ઘરની વાટ પકડી લે છે, જેથી શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભેજના પ્રમાણમાં પણ વધારો થયો હોવાના કારણે પ્રતિદિન ઝાકળભીની સવાર થાય છે, અને માર્ગો પણ ભીંજાયેલા રહે છે, જેથી પરોઢિયે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. જોકે હવામાન વિભાગ દ્વારા ઠંડીનો પારો ૧૨.૦ ડિગ્રી સુધી ઉપર દર્શાવાઇ રહ્યો છે, જે આંકડા બરોબર ન હોવાનો નગરજનોનો મત છે.જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૨.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે રહી હતી.