જોડીયા તાલુકાના હડીયાણા ગામના શ્રમિક પરિવારના બાળકનું મણકાની ગાંઠનું જટિલ ઓપરેશન કરી આરોગ્યતંત્ર વ્હારે આવ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ એપ્રિલ ૨૫ જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં મણકાની ગાંઠ અને મગજમાં પાણી ભરાવાની જટિલ સમસ્યા સાથે જન્મેલા વિષ્ણુ નામના બાળક માટે આરોગ્ય તંત્ર વ્હારે આવ્યું છે.ખાનગી હોસ્પિટલમાં ૫ થી ૭ લાખના ખર્ચે થતા ઓપરેશન તેમજ અન્ય સારવાર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણાના વાડી વિસ્તારમાં ખેત મજુરી અર્થે આવેલ રહેતા મૂળ છોટાઉદેપુરના આદિવાસી પરિવાર વિપુલભાઈ રાઠવાના ઘરે ગત તા. ૦૫-૧૨-૨૦૨૪ ના રોજ દીકરાનો જન્મ થયો હતો. આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે બાળકને ભગવાનનું સ્વરૂપ સમજી આ દીકરાનું નામ વિષ્ણુ પાડયું હતું.
જન્મ સમયે વિષ્ણુનું વજન ૨.૭ કિ.ગ્રા. હતું. જન્મ પછી થોડાક દિવસ બાદ આ બાળકને જન્મજાત કંઈક ખોડ-ખાંપણ કે બીજી કોઈ તકલીફ હોવાની ખબર પડી હતી. જેથી આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો. આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે આ બાળક અને પરિવારની મુલાકાત લેતાં તેમને પણ આ બાળકને જન્મજાત ખામી હોવાની ખબર પડી, અને તેમણે આ પરિવારને સાંત્વના આપી તેની સરકાર તરફથી જરૂરી તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે, તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ તેની જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ ની દોરવણી હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે બાળકની સઘન તપાસ કરવામાં આવી જેમાં બાળકના કમરની પાછળ મણકાના ભાગે ગાંઠ જણાઈ, જેને તબીબી ક્ષેત્રે ન્યુરલ ટયુબ ડીફેક્ટ કહે છે.
આ બાળકને આવી તકલીફ હોવાની જાણ થતાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડો.સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ રીના ડાંગર, બંસી ડાંગર ડોક્ટર ને મળ્યા અને જી.જી.હોસ્પિટલ દ્વારા બાળકને તાત્કાલિક રિફર કરવા અંગે જણાવ્યું હતું, અને તે ટીમ દ્વારા પરિવારને સમજાવી સંદર્ભ કાર્ડ ભરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થવા માટે સમજાવ્યું. બાળકને માથાના ભાગે પાણી ભરાતું હોઈ એટલે ૧૪-૨-૨૦૨૫ ના રોજ માથાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ૨૦-૦૨-૨૦૨૫ ના રોજ કમરના ભાગે મણકાની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ૨૩-૦૨-૨૦૨૫ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને આરોગ્ય ટીમ દ્વારા ફરી બાળકની ગૃહ મુલાકાત કરવામાં આવી બાળકની તબિયત એકદમ સારી છે.ખાનગી હોસ્પિટલમાં જો આ ઓપરેશન અને સારવાર કરાવવામાં આવે, તો તેનો અંદાજીત ખર્ચ ૫ થી ૭ લાખ જેટલો થાય પરંતુ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડમાં ઓપરશન તેમજ અન્ય સારવાર વિનામૂલ્યે કરવામાં આવતાં વિષ્ણુ ના પરિવાર દ્વારા આરોગ્ય તંત્ર અને જોડિયા તાલુકાની આરોગ્ય ટીમ પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેવુ ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર જણાવે છે.