જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા દલિત યુવાનની હત્યા નિપજાવનાર તેનોજ પિતરાઈ ભાઈ પકડાયો
-
હત્યા મા વપરાયેલી છરી અને સ્કૂટર કબજે લેવાયા : આરોપીને રિમાન્ડ પર લેવા કાર્યવાહી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ડિસેમ્બર ૨૫, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેનાજ પિતરાઈ ભાઈ દ્વારા છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવાઈ હતી, જે હત્યારા આરોપીની પોલીસે ધરપકડ કરી લઈ છરી અને સ્કૂટર કબજે કર્યા છે, અને તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના ૨૮ વર્ષના યુવાન પર ગઈકાલે સવારે દિગ્વિજય પ્લોટ શેરી નાં ૪૯ ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી ૪ જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.
મૃતક યુવાન પોતાના એકટીવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો, જેથી મૃતક યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો, અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
મૃતક યુવાન જીતેન્દ્ર ઉર્ફે જયલો કે જે આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપ ની પત્ની ને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં બેસાડી છે. જેનું મનદુઃખ રાખી ને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી હતી. જે બનાવ અંગે પોલીસે મૃતક જીતેન્દ્ર ના પિતા જગદીશભાઈ ચાવડા ની ફરિયાદના આધારે આરોપી દિલીપ ચાવડા સામે હત્યા અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે, જ્યારે હત્યામાં વપરાયેલી છરી તેમજ આરોપીનું સ્કૂટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


