જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રાત્રે એક એડવોકેટની હત્યા ની ઘટનાથી ભારે ચકચાર
-
એડવોકેટ ઘરનું તાળું ખોલી રહ્યા હતા જે દરમિયાન ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી દેતાં બનાવ હત્યામાં પલટાયો : આરોપીની પત્ની પર ખરાબ નજર રાખ્યાની આશંકા
-
આરોપી :- (૧) વૈભવ ચાવડા તથા (૨) યોગેસ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર રહે બન્ને-કાલાવડ
-
હત્યારા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં નાકા બંધી કરાઈ : LCB એ એક શકમંદને ઉઠાવ્યો
-
જામનગરના વકીલ આલમ માં ઘેરા શોકની લાગણી : એડવોકેટનું જામનગરની જી.જી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ જૂન ૨૫, જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયા કે જેઓની ગઈકાલે રાત્રિના હત્યાની ઘટના સામે આવતાં ભારે હડકમ્પ મચી ગયો છે, અને વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. પોતાના ઘરનું તાળું ખોલવા જતા હતા, જે દરમિયાન ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. તેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા જિલ્લા ભરમાં નાકાબંધી કરાઈ છે. એલસીબી દ્વારા એક શખ્સ ને સકંજા માં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા અને કાલાવડ વકીલ મંડળ ના સેક્રેટરી જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ ડોડીયા કે જેઓ ગઈકાલે રાત્રિના ૧૧.૧૫ વાગ્યે પોતાના ઘરનું તાળું ખોલવા જઈ રહ્યા હતા. જે દરમિયાન ૨ શખ્સો ધસી આવ્યા હતા, અને તેમના ઉપર છરી વડે હુમલો કરી દેતાં તેઓ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા.
આ બનાવની જાણ થતાં કાલાવડ માં ભારે દોડધામ થઈ હતી. એડવોકેટ ના ભાઈ આસિફભાઇ ડોડીયા વગેરે દ્વારા ઇજાગ્રસ્ત એડવોકેટ ને સારવાર માટે સૌપ્રથમ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓનો માત્ર મૃતદેહજ પહોંચ્યો હતો. જે બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડ ની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને બનાવના સ્થળે તેમજ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ એડવોકેટ ના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ને બનાવની જાણ થવાથી તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાના આદેશો કર્યા હતા.જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા ની આગેવાની હેઠળ પોલીસની મોટી ટુકડી આરોપીઓને શોધવા માટે રાત્રી ભર કોમ્બીન્ગમાં જોડાઈ હતી. એલસીબી ની ટીમ પણ કવાયત માં જોડાઈ હતી, અને એકાદ શકમંદ ને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.લાલો ખવાસ નામનો શખ્સ અને તેના સાગરીતો નું આ કારસ્તાન હોવાનું પ્રાથમીક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે.પોલીસ દ્વારા એડવોકેટ ઈમ્તિયાઝ ભાઈ ડોડીયા ના નાના આસિફભાઈ કેસરભાઇ ડોડીયા ની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ જૂની અદાવતનો આ બનાવ કારણ ભૂત હોવાનું અનુમાન લગાવી પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
જામનગરના વકીલ મંડળમાં આ ઘટનાની જાણ થવાથી ઘેર શોક ની લાગણી છવાઈ છે. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે એડવોકેટ ઈમ્તિયાઝભાઈ ડોડીયા ના મૃતદેહ ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની પેનલ મારફતે તેઓનું પોસ્ટમોર્ટમ કરાવવા આવી રહ્યું છે.આ ઘટના બાદ કાલાવડ માં રહેતા મૃતકના પરિવારજનો તેમજ વકીલ મંડળના સભ્યો જયારે જામનગર બાર એસો. ના હોદ્દેદારો વગેરે જી.જી. હોસ્પિટલના દ્વારે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.