જામનગર વાસીઓ આનંદો : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પ્રથમ વરસાદે જ છલકાઇ જતાં શહેરીજનોમાં હરખ ની હેલી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૩ જૂન ૨૫, જામનગરનો રાજાશાહી સમયનો અને એક માત્ર જામનગર મહાનગરપાલિકાની માલીકીનો અને શહેરની જીવાદોરી સમાન લાખો લોકોની તરસ છીપાવતો રણજીતસાગર ડેમ ગઈકાલે રાત્રે ૧૦.૪૫ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈને ઓવરફ્લો થઇ જતાં સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ચોમાસાની સિઝન ચાલુ થતાં ની સાથેજ પ્રથમ સંતોષજનક વરસાદમાં શહેરના મુખ્ય જળસ્ત્રોતનું છલકાઇ જવું એ કુદરતના આશીર્વાદ સમાન સાબિત થયું છે, જેના પગલે જામનગરવાસીઓની પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.
જામનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સાર્વત્રિક બે થી સાડા છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના પગલે અનેક જળાશયોમાં પાણીની અવિરત અને પુષ્કળ આવક નોંધાઈ હતી. મોડી રાત્રિના સુમારે, જામનગરના રણજીતસાગર ડેમની પાળી ઉપરથી પાણી ઓવરફ્લો થઈને જઈ રહ્યું હતું જે સમાચાર જામનગરમાં વહેતા થયા હતા, અને કેટલાક નગરજનો સ્થળ પર પહોંચ્યા હતા, અને તેનો મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો. જે રાત્રીના સમયથી શહેરભરમાં વાયરલ થયો હતો, અને લોકોમાં હરખની હેલી જોવા મળી છે.