જામનગર નજીક ગણપતિ વિસર્જન કરવા ગયેલા પિતા પુત્ર સહિત 3 ના મોતથી અરેરાટી

0
7018

જામનગર નજીક નાઘેડી ના લહેર તળાવમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા પિતા પુત્ર સહિત ત્રણના મૃત્યુને લઈને ભારે અરેરાટી

  • પિતા પુત્ર ત્રણેય લહેર તળાવમાં બપોરે ગણપતિ વિસર્જન કરવા માટે ઉતર્યા બાદ ડૂબી જતાં ત્રણેયના મૃત્યુ નીપજવાથી ભારે અરેરાટી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૫, જામનગર ના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા અને બે પુત્રો સહિત ત્રણ વ્યક્તિના લહેર તળાવમાં ગણપતિ વિસર્જન વેળાએ ડૂબી જતાં કરુણ મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે ગમગીની ફેલાઈ છે, અને પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રિતેશ દિનેશભાઈ રાવત પ્રજાપતિ કુંભાર (૩૫ વર્ષ) કે જેઓએ પોતાના ઘેર ગણપતિ નું સ્થાપન કર્યું હોવાથી આજે બપોરે ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાના બે પુત્રો સંજય (ઉંમર વર્ષ ૧૫) અને અંશ (ઉંમર વર્ષ ચાર) જે બંનેને પોતાના બાઈકમાં સાથે બેસાડીને ગણપતિની મૂર્તિને લઈને જામનગર થી નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવ પાસે પહોંચ્યા હતા.જ્યાં ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતી સમયે પિતા પુત્ર ત્રણેય પાણીમાં ઉતર્યા હતા, અને એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. પિતાએ પોતાના બંને પુત્રોને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

આ બનાવના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ને જાણ કરી હતી, જેથી ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાંથી પ્રિતેશભાઈ અને તેના બે પુત્રો સંજય અને અંશને બહાર કાઢી લીધા હતા, પરંતુ તેઓના મૃતદેહજ હાથ લાગ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થવાથી પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું છે, જ્યારે પ્રિતેશ ભાઈ ના માતા તથા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર શહેર ભર માં ભારે ગમગીની ફેલાઈ છે.