જામજોધપુરના વાંસજાળીયા ગામે LCB નો દરોડો : 12 લાખનો , 2035 બોટલ દારૂ ઝડપાયો

0
3283

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં એક રહેણાંક મકાન પર મોડી રાત્રે એલસીબીની ટીમનો દારૂ અંગે દરોડો

  • મકાનમાં સંતાડેલો રૂપિયા ૧૨ લાખની કિંમતનો ૨૦૩૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જંગી જથ્થો પકડાયો : આરોપો ફરાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જુલાઈ ૨૫, જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં એક મકાનમાં ઇંગલિશ દારૂની બાટલીનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનો ખાનગીથી વેચાણ કરવા માટેની પહેરવી થઈ રહી છે. તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી ૨૦૩૫ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો આશરે રૂપિયા બારલાખ ની કિંમત નો જથ્થો કબજે કરી લીધો છે, અને દારૂનો જથ્થો સંતાડનાર મકાન માલિકની શોધ ખોળ હાથ ધરી છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રહેતા પબાભાઈ મેરાભાઈ મોરી નામના રબારી શખ્સ દ્વારા પોતાની વાડીના જુનવાણી મકાનમાં ઇંગલિશ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે, અને તેનું વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે. જે બાતમી ના આધારે ગઈ રાત્રે એલસીબીની ટુકડી ત્રાટકી હતી, અને ઉપરોક્ત મકાન પર દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડ ની નાની મોટી ઇંગ્લિશ દારૂની બાટલી કે જેના પર ઓન્લી સેલ ફોર ઉત્તરાખંડ લખેલું હતું, જે ૨૦૩૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૧૨,૦૮,૯૦૦ ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જ્યારે મકાન માલિક પબાભાઈ રબારી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી, શોધખોળ હાથ થઇ છે. અને જામજોધપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચ.બી. વડાવીયા તેને શોધી રહ્યા છે.