જામનગર ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના શિક્ષકનું આખરે સસ્પેન્શન રદ કરી ને પુનઃ ફરજ પર લેવાયા
-
શિક્ષકના સસ્પેન્શન મામલે વાલી મંડળ ના વિરોધ અને ત્યારબાદ વિદ્યાર્થીઓના પણ વિરોધ પછી આખરે તેઓનું સસ્પેન્શન રદ થયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જુલાઈ ૨૫ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના એક શિક્ષક ને સસ્પેન્ડ કરવામાં આવતાં વાલી મંડળમાં અને વિદ્યાર્થીઓમાં વિરોધ નો શૂર ઉઠ્યો હતો. ત્યારબાદ આખરે શિક્ષકનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, અને તેઓને ગુરુપૂર્ણિમાના દિવસે પૂન: ફરજ પર લેવામાં આવી રહ્યા છે.
જામનગર ની નગર પ્રાથમિક શિક્ષક સમિતિ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલાં એક શિક્ષક રામ ગોપાલ મિશ્રા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાં શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, આ શિક્ષકને વડી કચેરીની મંજુરી પછી તેમના અયોગ્ય વર્તન ના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પરંતુ મળતી માહિતી મુજબ આ શિક્ષકે સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ વાયરલ કરી હતી. જે શાસકો ને ગમ્યું ન હતું, જો કે અધિકારીના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે સસ્પેન્ડ કરાયા નથી, પરંતુ તેમના અણછાજતા વર્તનના કારણે સસ્પેન્ડ કરાયા છે. ત્યાર બાદ સસ્પેન્ડેડ શિક્ષક મામલે શિક્ષણ સમિતિ સામે વાલી મંડળ દ્વારા લડત અપાઇ હતી અને આંદોલનાત્મક કાર્યક્રમો થયા હતા, ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ લડત અપાઈ હતી, અને શિક્ષણ કાર્યથી દૂર રહ્યા હતા, અને શિક્ષકનું સસ્પેન્શન રદ નહીં થાય તો તમામ વિદ્યાર્થીઓ સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
આખરે શિક્ષકનું આજે સસ્પેનશન રદ થયું છે, અને તેઓને ફરીથી ફરજ પર લેવાનો ઓર્ડર મળી ગયો છે. અને ગુરુપૂર્ણિમાના દિવસે જ તેઓ પુનઃ ફરજ પર જોડાઈ રહ્યા છે, તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે.


