જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફ જવાના માર્ગે બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮,નવેમ્બર ૨૫ જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો આશિષ રમેશભાઈ ડાભી, કે જે ગત ૧૪મી તારીખે ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવતો હતો, અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવ્યું હોવાથી ટ્રાફિક શાખા ની ટીમે જામનગર પોલીસના કમાન્ડ કન્ટ્રોલ વિભાગ ની મદદ લીધી હતી, અને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
જે વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે ટ્રાફિક પોલીસે આખરે તેને શોધી કાઢ્યો હતો, અને જામનગરની ટ્રાફિક શાખાએ બોલાવી લીધા બાદ તેની ખરાઈ કરવામાં આવી હતી, અને તેણે પોતે ૧૪મી તારીખે બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હોવાની કબુલાત પણ આપી હતી. જેથી ટ્રાફિક શાખા ની ફરજ પર હાજર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળા એ તેનું જીજે ૧૦ ડી. એલ. ૨૦૫૨ નંબરનું બાઈક કબજે કરી લઈ તેને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો હતો, જ્યાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧ તેમજ એમવી એક કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


