જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામની જમીન બાબતમાં જોડિયાની અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો
-
રેવન્યુ રેકર્ડમાં નામ ચડી જવાથી માલિકી હકક પ્રસ્થાપિત ન થાય : સરકારી રેવન્યુ અધિકારીની ભુલનો ભોગ સામાન્ય નાગરીક બને નહી
દેશ દેવી જામનગર તા ૨ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારણા ગામની એક જમીનના પ્રકરણમાં રેવન્યુ રેકર્ડમાં ખોટું નામ ચડી જતા તેનો ગેરલાભ ઉઠાવીને સીવીલ કોર્ટમાં બોગસ દાવો દાખલ થતાં તે દાવો જોડિયાની સીવીલ કોર્ટ દ્વારા રદ કરાયો છે.
આ કેશ હકીકત એવી છે કે, જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનાં તારાણા ગામની રે.સર્વે નં.૮૪ જેના નવા રે.સર્વે નં.૨૫૪ વાળી જમીનનાં મુળ માલીક નારણ બેચર વાઘેલાએ તારાણાનાં રહીશ શીવુભા ઘેલુભા જાડેજા પાસેથી રજી.વેંચાણ દસ્તાવેજથી સને-૧૯૫૬ માં ખરીદ કરી હતી. ત્યાર બાદ રેવન્યુ કચેરીમાં તે અંગે રેવન્યુ રેકર્ડ નામ પણ ચઢાવેલુ હતું. પરંતુ રેવન્યુ કચેરીએ નવા પ્રમોલગેશન વેળાએ રે.સ.નં.૮૪, વાળી જમીનમાંથી ખરા માલીક નારણ બેચર વાઘેલાનું નામ શરતચુકથી નિકળી જતાં અને કહેવાતું ભુલવાળુ નામ શિવુભા વેલુભા જાડેજા ચઢી જતાં તેનો ગેરલાભ લઈ શિવુભા ઘેલુભા જાડેજાના વારસોએ સીવીલ કોર્ટ જોડીયામાં પોતાનો માલીકી હકક રહે તેવું ઠરાવી આપવા દાવો દાખલ કર્યો હતો.
જેમા પ્રતિવાદી નારણ બેચર વાઘેલાનાં વારસ તરીકે ગંગદાસ નારણ વાઘેલા તરફે વકિલ કૌશિક પરમારે કોર્ટમાં હાજર થઈને વાંધા-જવાબ તથા પુરાવાઓ રજુ કરી અને ધારદાર દલીલો કરીને પ્રમોલગેશનની ભુલનાં કારણે ખરા કાયદેસરનાં માલીકનો જમીનના રેવન્યુ રેકર્ડમાં નામ દુર થાય તો તે માલીક મટી નથી જતા. તેથી સીવીલ કોર્ટ જોડીયાએ તે હકીકતોને ધ્યાને લઈ વાદીનો દાવો રદ કર્યો હતો, અને રેવન્યુ કચેરીમાં યોગ્ય કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.આ કેસમાં પ્રતિવાદી તરફે એડવોકેટ હિતેન ઈ.ભટ્ટ, હેમાંશું કે. સોલંકી, ધર્મેન્દ્ર એ. ઠાકર, તેમજ કૌશિક બી.પરમાર રોકાયા હતા.


