જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જનતાની સુખાકારીના પ્રકલ્પો સાથે જન્મદિવસ ઉજવ્યો
-
ભારતના વડાપ્રધાન ની પ્રેરણાથી સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા કાર્યો કરવાના સંકલ્પ અને સંતો ના આશીર્વાદ સાથે જન્મ દિવસ ઉજવ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩સપ્ટેમ્બર ૨૫, જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા લઈને તેમજ ‘જનતાની સુખાકારી એજ મારા જન્મદિવસની ઉજવણી’ એ સૂત્રને સાર્થક કરવા માટે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો ના વિશેષ સંકલ્પની સાથે સંતો મહંતના આશીર્વાદ મેળવીને જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી હતી. આ જન્મદિવસની ઉજવણી ના કાર્યક્રમમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના આગ્રણી હોદ્દેદારો, નગરના શ્રેષ્ઠીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, કે જેઓ પોતાના જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, અને ખાસ કરીને તેઓએ પોતાના જીવનમાં ‘જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજાણી’ તે સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે. ત્યારે ગઈકાલ તારીખ ૧૨ મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસની ઉજવણી પણ જુદા જુદા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો, કે જે સમાજના દરેક વર્ગને સ્પર્શતા હોય, તેવા વિવિધ સેવા પ્રકલ્પોની સૂચિ બનાવીને તે કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરના પ, નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટના પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રીકૃષ્ણમણીજી મહારાજ, તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજના આશીર્વાદ મેળવીને જન્મદિવસ ઉજવ્યો હતો.
સમાજ જીવનના છેવાડાના નાગરિકોને પણ અંત્યોદયની સેવાનો લાભ મળી રહે તે પ્રકારે ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે અને તેઓની પ્રેરણા ના આધારે ગઈકાલે જામનગર શહેરના ૧,૨૦૦ થી વધુ યુવાનો માટે ૪૧ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું, તેમજ પાંચ પરિવારને ઇ.વી. રીક્ષા ની ભેટ આપવામાં આવી હતી. જ્યારે મહિલાના સુપોષણ માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું,
વિવિધ સરકારી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ કે જેનું પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વોર્ડ નંબર -૨ સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવી હતી. ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જયારે વોર્ડ નંબર-૩ સ્થિત વિજ્યાબા હોલનું ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૭ લાખના ખર્ચે ડોમ નું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત વોર્ડ નંબર -૨ પુનિત નગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે પુન: નિર્માણ થયું છે, જેનું પણ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર -૨ સ્થિત શ્રી સાઈબાબા મંદિર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૪ લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઇ- લોકાર્પણ કરાયું હતું.આવાસ હોમ લોન ના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૩૫ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપ નું લોકાર્પણ, જયારે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર -૪ સ્થિત બુથ નંબર ૪૮ના બુથ પ્રમુખ સ્વ. બલરામભાઈ ચાવડા ના પરિવારને રૂપિયા ૧૦ લાખ નો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે ૭૮- વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા ૧૫ લાખનું વીમા કવચ પ્રદાન કરાયું હતું.જામનગરમાં ૭૮ વિધાનસભા વિસ્તારની કુલ ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા ૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા.
જામનગરના ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં આ તમામ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાં સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે આ સેવાકીય પ્રકલ્પો સાથેના જન્મદિવસની ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) રાજપૂત અગ્રણી પી.સી. જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાષક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, એડવોકેટ હસમુખભાઈ હિંડોચા, ધીરુભાઈ કનખરા, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, ઉપરાંત પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શહેર ભાજપના મહામંત્રી, મેરામણભાઈ ભાટુ સહિતના શહેર ભાજપના અગ્રણી હોદ્દેદારો, નગરના શ્રેષ્ઠીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય રિવાબા જાડેજા ના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.