દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડ્યો
-
લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકો ની કચેરીના પ્રાંગણમાં વીજ ઇજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૬, સમગ્ર દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડ્યો હતો, અને જામનગરમાં લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકો ની કચેરીના પ્રાંગણ માં વીજ ઇજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરાયા હતા.દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલી ચિંતા અંગે ઓલ ઇન્ડિયા પાવર એનર્જી ફાઉન્ડેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે દ્વારા કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓનું ખાનગીકરણ નહી કરવા માટે આવાજ ઉઠાવવામાં આવ્યો છે, તથા દેશભરના તમામ વીજ સંગઠનોને આ મુદ્દે સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.
આ અનુસંધાને ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર એસોસિએશન અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ – આ બંને સંગઠનોના ગઠનથી રચાયેલ “ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ” દ્વારા ઉપરોક્ત આંદોલનને નૈતિક સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.આ હાકલના ભાગરૂપે જામનગર ખાતે પી.જી.વી.સી.એલ. અને જેટકો ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા ગઈકાલે તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી ૨:૩૦ કલાક દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
લાલ બંગલા સ્થિત વિજ કચેરી તેમજ સાત રસ્તા પાસે આવેલી જેટકો ની કચેરી ના પ્રાંગણમાં વીજ કંપનીના અધિકારીગણ અને કર્મચારીગણ વગેરેએ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓના ખાનગીકરણ તથા આઉટસોર્સિંગની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.સંકલન સમિતિએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાથી જનહિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા, દરની નીતિ, રોજગારીની સુરક્ષા અને સેવા ગુણવત્તા જેવા મુદ્દાઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સમિતિએ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ સાથે સંકલન સમિતિએ રાજ્યના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે, કે આ વિરોધ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મર્યાદિત સમયગાળાનો હતો, અને આ હડતાલ/વિરોધના કારણે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠા અથવા સેવાઓમાં કોઈ અવરોધ કે અસર થવા દેવામાં આવી નથી.


