જામનગર : શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની ઉમટી

0
1116

છોટીકાશી’ માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની

  • નગરનાં અનેક શિવાલયોમાં અભિષેક – પૂજા તથા વાતાવરણમાં ‘ૐ નમ: શિવાય’ અને ‘હર હર મહાદેવ’ ની ગૂંજ સંભળાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, ઓગસ્ટ ૨૫  ‘છોટી કાશી’ નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસમાં અને વિશેષ કરીને શ્રાવણીયા સોમવારે ભોળાનાથની આરાધના કરવા ભક્તો તત્પર હોય છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વિવિધ શિવાલયોમાં વિવિધ ઝાંખી તથા મહાઆરતી સહિતનાં આયોજન થયા છે.ભગવાન ભોળાનાથ ફક્ત જલાભિષેકથી પ્રસન્ન થઇ જનારા હોય તેમની સરલ ઉપાસના દરેક જન માટે ઇશ્વર કૃપા પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ છે. સોમવારે શિવ ભક્તોએ શિવલિંગ પર જલાભિષેક કરી તથા બિલીપત્ર અર્પણ કરી તુરંત પ્રસન્ન થનારા ભગવાન આશુતોષનાં આશિષ મેળવવા પ્રાર્થના કરી હતી.કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. ચારેય દિશામાંથી શિવલિંગનાં દર્શન થઇ શકે એવું આ એકમાત્ર શિવાલય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંની મહાઆરતી તથા પ્રતિદિન શિવલિંગને કરવામાં આવતા અનોખા વિશિષ્ટ શ્રીંગાર ને કારણે ભોળાનાથનાં દિવ્ય સ્વરૂપોની ઝાંખીથી ભક્તો ભાવવિભોર થાય છે.જામધર્માદા ટ્રસ્ટ હેઠળનાં તથા શહેરની સ્થાપના પૂર્વેનાં માનવામાં આવતા પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.વર્ષભર દર સોમવારે આ શિવાલયે દર્શનાર્થે આવતા ભક્તોની પણ બહોળી સંખ્યા છે, ત્યારે શ્રાવણ મહિનાનાં સોમવારે અહી હજારોની સંખ્યામાં દર્શનાર્થી ઉમટે છે.શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવોપાસના આરંભ થઇ ગઇ હતી. પૂજારીઓ દ્વારા અભિષેક – રૂદ્રી કરવામાં આવ્યા હતાં.  ટાઉનહોલ નજીક આવેલ અને ભક્તોની ભીડ ભાંગનાર સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ શ્રાવણનાં અંતિમ સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ ચિતાનંદજીનાં મંદિર તરીકે ઓળખાતા અને એક હજાર શિવલિંગ ધરાવતા આ ધર્મસ્થાનમાં શ્રી ભૂતનાથ મહાદેવની ઉપાસના માટે પણ ભક્તો ઉમટ્યા હતાં. મહાદેવનો અભિષેક – થાળ વગેરે પૂજન અર્ચન કરવામાં આવ્યા હતાં.શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તોને મહાદેવનાં મહાકાલ સ્વરૂપનાં દર્શન થયા હતાં. સવારે અહીં ભસ્મ આરતીનાં અલૌકિક દર્શનનો લાભ લેવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતાં પ્રાચીન શિવાલયોમાં ગણના થાય એવા ખોજા નાકા વિસ્તાર નજીક આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો શિવોપાસના માટે પહોંચ્યા હતાં. ગઢની રાંગની દિવાલ નજીક આ મંદિરનું પરિસર તેની પ્રાચીનતા પુરવાર કરવાની સાથે રજવાડી સમયમાં ગઢની રાંગ નજીક આ મંદિરમાં ભીમનાથ મહાદેવને રક્ષક સ્વરૂપે પૂજવામાં આવતા હોવાની માન્યતાને સમર્થન આપે છે.વિવિધ જ્ઞાતિ વિશેષનાં શિવાલયોમાં પણ જ્ઞાતિજનો ભગવાન શિવનાં તેઓનાં આરાધ્ય સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવા પહોંચ્યા હતાં. પંચેશ્વર ટાવર પાસે નાગોરી જ્ઞાતિનાં શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે પણ જ્ઞાતિજનો ઉપરાંત નિત્ય દર્શનાર્થે આવતા ભક્તોએ શિવ આરાધના કરી હતી. લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવને રિઝવવા માટે પણ રઘુવંશી સમાજ તથા અન્ય શિવ ભક્તો ઉમટ્યા હતાં. એ જ રીતે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ વડવગરા નાગર જ્ઞાતિનાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ નાગર બંધુઓ તથા અન્ય શિવ ભક્તો પણ જય હાટકેશનાં નાદ સાથે શિવ ભક્તિમાં તલ્લીન થયા હતાં.પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે પણ સવારથી ભક્તો જળાભિષેક માટે પહોંચ્યા હતાં.તો ગ્રીન સીટી વિસ્તારમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા શ્રી રામી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોએ ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજવી છોટીકાશી નું નામ સાર્થક કર્યુ હતું.શહેરનાં વિવિધ શિવાલયો તથા મંદિરો પાસે ટ્રાફિક નિયમન જળવાઇ રહે એ માટે સુરક્ષા તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે વિવિધ શિવ મંદિરોમાં વિવિધ ઝાંખી – મહાઆરતી સહિતનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.