જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો
-
ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા૧ મે, એપ્રિલ ૨૫ જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા અનાજમાં ૨૬,૨૫૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.૧૦,૨૩,૭૫૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.૧૦,૫૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.૧૬,૫૦૦નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી ૪ રીક્ષા, ૧ મોટરસાઇકલ અને ૫ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આમ, તંત્ર દ્વારા કુલ રૂ.૧૬,૫૧,૫૧૦/- નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે.