જામનગરના રણમલ તળાવમાંથી ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું
-
એક જાગૃત નાગરિકે મહાનગર પાલિકા ને જાણ કરતાં સિક્યુરિટી વિભાગ અને ફાયર સ્ટાફ દોડતો થયો
-
માછીમારી જાળમાં ફસાયેલા જીવિત માછલા- કાચબાઓને બહાર કાઢી ને પાણીમાં છોડયા: જાળ કબજે કરી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ એપ્રિલ ૨૫, જામનગરના રણમલ તળાવમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન સામે આવ્યું છે, અને એક જાગૃત નાગરિક ની ફરિયાદના આધારે મહાનગરપાલિકાનો સિક્યુરિટી વિભાગ દોડતો થયો હતો, અને ફાયર બ્રિગેડની મદદ લઈને માછીમારી જાળ બહાર કાઢી લીધી છે, જ્યારે તેમાં ફસાયેલા માછલા-કાચબાને જીવિત અવસ્થામાં પાણીમાં છોડી દીધા હતા.જામનગરના રણમલ તળાવ ના પાછળના ભાગે પુલ નીચે બંને તળાવને જોડતા વચલા પુલ પાસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદે રીતે માછલા પકડવાની જાળી નાખવામાં આવી હતી. જે અંગે કોઈ જાગૃત નાગરિકને ધ્યાનમાં આવતાં તેઓએ મનપા ના સિક્યુરિટીને તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરતાં તેઓએ ઘટના સ્થળે દોડી જઇ ઉપરોક્ત જાળી ને બહાર કાઢતાં તેની અંદર અસંખ્ય માછલાઓ તેમજ જીવિત હાલતમાં કાચબાઓ મળી આવ્યા હતા.
આથી જીવિત માછલા અને કાચબા વગેરે ને ફરીથી તળાવના પાણીમાં છોડી દીધા હતા, અને ગેરકાયદે નાખવામાં આવેલી માછીમારી જાળ કબજે કરી લેવામાં આવી હતી. આ માછલા પકડવાની જાળી કોના દ્વારા, અને ક્યારે નાખવામાં આવી હતી, તે એક તપાસનો વિષય બન્યો છે.