જામનગર માં પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ‘વીજ સલામતી સપ્તાહ’ ની ઉજવણી કરાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫, ડિસેમ્બર ૨૫ જામનગર ની પીજીવીસીએલની વર્તુળ કચેરી, જામનગર દ્વારા તા. ૦૮ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકો તેમજ જન સામાન્યમાં વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો તથા વીજ અકસ્માતોની શક્યતા ઘટાડવાનો હતો.
આ અવસર પર વિવિધ શાળાઓ અને સ્થળોએ વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા, નિબંધ લેખન, વક્તૃત્વ, ક્વિઝ અને કવિતા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા તથા જ્ઞાન દ્વારા વીજ સલામતી અંગેના સંદેશો રજૂ કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વીજ સલામતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ, વીજ તારોથી યોગ્ય અંતર જાળવવું, અકસ્માત નિવારણના ઉપાયો તથા આપત્તિ સમયે લેવાય તેવી તકેદારી અંગે માહિતી આપવામાં આવી હતી.
સ્પર્ધાઓના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષકો, અધિકારીઓ તથા વાલીઓની સક્રિય હાજરી રહી હતી.જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા આવા જાગૃતિસભર કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં પણ વીજ સલામતી અંગે જનજાગૃતિ વધારવાનું કાર્ય સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.


