જામનગરની જી.જી. હોસ્પિટલ માં એસ. આઈ. ની કચેરીમાં ઘૂસી જઇ હંગામો મચાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસ ફરિયાદ
-
સફાઈ કર્મચારીઓના એસ.આઈ. પર હુમલો કરી દેનાર ત્રણ હંગામી મહિલા કર્મીઓ સહિત ચાર સામે પોલીસે ગુન્હો નોંધ્યો
-
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થતા , તેનો Video શહેરભરમાં ખૂબજ વાયરલ થયો હતો
-
આરોપી – (૧) જયાબેન હરીશભાઇ રાઠોડ (૨) સુનંદાબેન બાંગ્લે (૩) પાર્વતીબેન મકવાણા (૪) ધારેશભાઇ છીપરીયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૩, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના સફાઈ કર્મચારીના જમાદાર ની કચેરીમાં ઘૂસી જઈ હંગામો મચાવવા અંગેના પ્રકરણમાં અને એસ.આઈ. સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી દેવા અંગેના પ્રકરણમાં પોલીસે ત્રણ હંગામી સફાઈ મહિલા કર્મચારી સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.જે બનાવ અંગેનું સીસીટીવી ફૂટેજ પણ કબજે કરાયું છે.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સફાઈ કર્મચારી મહિલાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, અને આજે સવારે જમાદારની કચેરીમાં ઘૂસી જઈ હંગામો મચાવાયો હતો, અને આખરે આ પ્રકરણ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યું હતું.
સફાઈ કર્મચારી મહિલાઓ દ્વારા વીજળીક હડતાલ પાડીને ટોળા સ્વરૂપે પોલીસ મથકે જઈને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન સિટી બી. ડિવિઝન પી.આઈ. પી.પી.ઝા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક અસરથી આ પ્રકરણમાં ગુન્હો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં હોસ્પિટલ માં જમાદાર તરીકે ફરજ બજાવતા એસ.આઇ. રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર તેમજ પોતાની સાથે ઓફિસમાં હાજર રહેલા આશિષભાઈ તેમજ રસીદાબેન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ બહાર નીકળશો તો જાનથી મારી નાખીશું તેવી ધાકધમકી આપવા અંગે હંગામી સફાઈ મહિલા કર્મચારી જયાબેન હરીશભાઈ રાઠોડ, સુનંદાબેન બાંગલે, પાર્વતીબેન મકવાણા, તેમજ ધારેશભાઈ છીપરિયા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોધ્યો છે, ઉપરાંત સમગ્ર બનાવ અંગેનું સીસીટીવી કેમેરાનું વિડીયો ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યું છે.આ ઘટના બાદ જયાબેન રાઠોડ નામની મહિલાએ પોતે ફીનાઇલ પી લીધું હોવાનું જણાવીને ત્યાં ઢળી પડી હોવાથી તેણીને તાત્કાલિક અસરથી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા તેના પર પહેરો ગોઠવી દઈ તેણી નું પણ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.