જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ સર્કલમાં જોરદાર વિરોધ પ્રદર્શન : પોલીસ દ્વારા ૩૫ કાર્યકરોની અટકાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ડિસેમ્બર ૨૫, જામનગરના ટાઉનહોલ સર્કલમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને હાથમાં બેનર સાથે અનેક કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા હતા, દરમિયાન પોલીસ દ્વારા કોંગી પ્રમુખ સહિત ૩૫ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જે બંને ને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મામલે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને સત્તાધારી ભાજપ હેરાન પરેશાન કરી રહ્યો છે, અને ઇડી જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી બદનામ કરવાની કોશિશ કરે છે, તેવા વિષય સાથે જામનગર શહેરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં જિલ્લા ભાજપ કાર્યાલય પાસે શહેરના કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાનીમાં શહેરના અનેક કોંગ્રેસ કાર્યકરો પોતાના હાથમાં બેનર પોસ્ટર લઈને ઉતરી પડ્યા હતા, અને વિરોધ પ્રદેશ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટાઉનહોલ સર્કલમાં ચક્કા જામ જેવી પરિસ્થિતિ થઈ હતી.દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ અગ્રણીઓ સહિતના કુલ ૩૫ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે મોડેથી તમામને મુક્ત કરી દેવાયા છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકરો વગેરે ની અટકાયત કરાઈ હતી.


