જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ આવીને ઉમેદવારી નોંધાવી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ એપ્રિલ ૨૬, જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્તાફ ખફી એ પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્તાફ ખફી સામે મારામારીના કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ તે જિલ્લા જેલમાં છે. આ પછી તેની સામે ગુજસીટોકનો ગુન્હો પણ નોંધાયો હતો. આથી આજે જેલ માંથી તેણે પોલીસ જાપ્તા હેઠળ આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી વિક્રમભાઈ માડમ અને મહાનગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા વિગેરે પણ સાથે રહ્યા હતાં.


